ગુજરાતટોપ ન્યૂઝ

બોલો તમે શું કામ કર્યા ? ચૂંટણીનો ધમધમાટ : પ્રદેશ ભાજપે સાંસદો પાસેથી ‘કામો’નું ‘ફીડબેક’ મેળવવાનું કર્યું શરૂ

Text To Speech

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી વર્ષમાં યોજાનારી લોકસભા ચુંટણી પુર્વે રાજ્યના તમામ સાંસદોના રીપોર્ટકાર્ડના આધારે ‘કલાસ’ લેવાનું શરૂ કર્યુ છે. જેમાં તેઓને 2 કે 3 જૂથમાં મુખ્યમંત્રી આવાસે બોલાવી છેલ્લા સાડા ચાર વર્ષની તેમની કામગીરી, તેમના મતક્ષેત્રના પેન્ડીંગ કામો તથા હાલ કોઈ કામ ચાલી રહ્યું હોય તો તે કયારે પુરા થશે ? સહિતની તથા કોઈ તાકીદે આવશ્યકતાના કામો જે 4 થી 6 માસમાં પુરા થઈ શકતા હોય તેની પણ માહિતી મેળવવાનું શરૂ કર્યુ છે.

કામોના લોકાર્પણની તૈયારીઓ શરૂ કરાઇ

પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ 2024ની લોકસભા ચૂંટણી પુર્વે ભાજપ હવે ફરી લોકાર્પણ તથા ખાતમુર્હુતની ‘હેલી’ સર્જશે. જેમાં દરેક સંસદીય મતક્ષેત્રની યોજનાઓના કામો જે પુરા થઈ શકે તેમ હોય તેના લોકાર્પણની તૈયારી કરશે અને યોજના મુજબ તેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા મંત્રીઓ અને પક્ષના અન્ય નેતાઓને તેની ફાળવણી કરીને સતત પ્રજાની વચ્ચે ભાજપ રહે તે નિશ્ર્ચિત કરશે.

CM, પ્રદેશ પ્રમુખે પણ તૈયારી આરંભી

આ ઉપરાંત સરકાર અને પક્ષ વચ્ચે સંકલન થાય, કોઈ યોજના જે અધુરી હોય તેના અંગે સ્થાનિક સ્તરે અસંતોષ હોય અને પક્ષના ધારાસભ્ય, સાંસદ કે પદાધિકારી રજુઆત કરતા ના હોય તેમાં પ્રજા વચ્ચે ઉંઘતા ઝડપાઈ જવાય નહી તેની તૈયારી શરુ કરી છે. હાલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર તથા મહત્વના નેતાઓ જે તે મતક્ષેત્રના પ્રભારી મંત્રી તથા પક્ષના પ્રભારી હાજર રહે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હવે પંચાયત, મહાપાલિકામાં પણ પદાધિકારીઓની નવી નિયુક્તિ થવાની છે તે અંગે પણ સાંસદો પાસેથી ‘હિંટ’ મેળવાશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણથી ચાર દિવસમાં આ કામગીરી પુરી કરશે.

Back to top button