ઉત્તરકાશીની ટનલમાં મોકલવામાં આવશે ટેલિફોન, કેબલ નાખવાનું શરૂ
- ઉત્તરકાશીની ટનલમાં BSNLનો નાના કદનો ટેલિફોન 6 ઈંચ પહોળી પાઈપ દ્વારા મોકલાશે, ટનલની અંદર કેબલ નાખવાનું કામ શરુ.
ઉત્તરકાશી, 25 નવેમ્બર: ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે છેલ્લા 14 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ બચાવ કાર્યના માર્ગમાં વારંવાર આવતા અવરોધોને કારણે બચાવ ટુકડીઓ હજુ સુધી કામદારો સુધી પહોંચવામાં અસફળ રહી છે, ત્યારે હવે ટનલમાં કામદારોને ટેલિફોન આપવાની તૈયારી ચાલી રહી છે.
ઉત્તરકાશીની ટનલમાં BSNL એ કોમ્યુનિકેશન કેબલ નાખવાનું શરૂ કર્યું છે. ટનલમાં BSNLનો નાના કદનો ટેલિફોન મોકલવામાં આવી રહ્યો છે, આ ટેલિફોન 6 ઈંચ પહોળી પાઇપ દ્વારા કામદારો સુધી મોકલવામાં આવશે, જેથી તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે. ટનલની અંદર અત્યારે કોમ્યુનિકેશન કેબલ નાખવામાં આવી રહ્યો છે.
હવે ઓગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવશે નહીં
ગુરુવારે રાત સુધી ટનલમાં 48 મીટર સુધી હોરિઝોન્ટલ ડ્રિલિંગ પૂર્ણ થયું હતું. ત્યારબાદ ઓગર મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેને ઠીક કર્યા બાદ શુક્રવારે સાંજે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એકવાર ઓગર મશીનની સામે લોખંડની જાળી આવી ગઈ હતી. આ જાળી મશીનના બ્લેડમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ડ્રિલિંગ અટકાવવી પડી હતી. આજે ઘણી મહેનત બાદ ઓગર મશીનની બ્લેડને ડ્રિલિંગમાંથી બહાર કાઢવામાં આવી હતી. હવે નિષ્ણાતો 12 થી 14 મીટરનું બાકીનું અંતર મેન્યુઅલ ડ્રિલિંગ દ્વારા પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છે. આ સિવાય વર્ટિકલ ડ્રિલિંગનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
વર્ટિકલ ડ્રિલિંગ માટે મશીન લાવવામાં આવ્યું
#WATCH उत्तराखंड: उत्तरकाशी सुरंग बचाव अभियान जारी है। सुरंग के शीर्ष पर वर्टिकल ड्रिलिंग मशीनें लाई गईं। pic.twitter.com/SqsH3IrEwg
— ANI_HindiNews (@AHindinews) November 25, 2023
બચાવ કામગીરીમાં વધુ સમય લાગશે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે છેલ્લા 14 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ હજી સુધી કામદારો સુધી પહોંચી શકાયુ નથી ત્યારે હવે ઈન્ટરનેશનલ ટનલીંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સે માહિતી આપી છે કે ટનલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બીજી ઘણી બધી પદ્ધતિઓ છે, એટલે હવે ઓગર મશીન વડે ડ્રિલિંગ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, ‘અત્યારે બધું બરાબર છે. હવે ઓગર મશીનનું કામ પૂરું થઈ ગયું છે. ઓગર મશીન તૂટી ગયું, તેને ઠીક કરી શકાતું નથી. હવે નવું ઓગર મશીન મંગાવવામાં આવશે નહીં અને મશીનથી ડ્રિલિંગ પણ કરવામાં આવશે નહીં.
મને વિશ્વાસ છે તમામ કામદારો બહાર આવી જશે: આર્નોલ્ડ ડિક્સ
ઈન્ટરનેશનલ ટનલીંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સે વિશ્વાસ આપતા કહ્યું કે, “મને વિશ્વાસ છે કે ક્રિસમસ સુધીમાં તમામ 41 કામદારો ઘરે આવી જશે. તેઓ સલામત અને સ્વસ્થ છે. અમે ઉતાવળ કરી શકતા નથી. જો અમે ઉતાવળ કરીશું, તો વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે એમ છે”.
આ પણ વાંચો: ઉત્તરકાશી: રેસ્ક્યુ ઓપરેશનમાં ઓગર મશીન ફસાયું, હવે વર્ટિકલ ડ્રિલિંગ થશે