138 વર્ષે બદલાશે ટેલિફોનને લગતો કાયદો, નવો ખરડો લોકસભામાં દાખલ
નવી દિલ્હી, 18 ડિસેમ્બર: સંસદના શિયાળુ સત્રમાં આજે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં નવું ટેલિકોમ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને લોકસભામાં વિપક્ષી સભ્યોના જોરદાર હોબાળા વચ્ચે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા કેન્દ્ર સરકારે નવો ટેલિકોમ કાયદો બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. હવે આ નવું ટેલિકોમ બિલ 1885ના ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે.
સરકારે નવા બિલમાં મહત્ત્વના સુધારા કર્યા
ટેલિકોમ બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે, ત્યારબાદ તેને આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર નવા નિયમો સાથે નવું ટેલિકોમ બિલ લાવી રહી છે. બિલમાં OTTની વ્યાખ્યા પણ હટાવી દેવામાં આવી છે. નવા ટેલિકોમ બિલ 2023માં સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે હરાજી નહીં કરવાનો નિર્ણય લીધો છે. હવે સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે મફત સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. સરકારે નવા બિલમાં ટેલિકોમ કંપનીઓ પર લાગેલા દંડમાં પણ ઘટાડો કર્યો છે. આ મુજબ હવે ટેલિકોમ કંપનીઓ પર મહત્તમ 5 કરોડ રૂપિયાનો દંડ લાગશે. અત્યાર સુધી કંપનીઓ પર 50 કરોડ રૂપિયા સુધીના દંડનો નિયમ હતો.
કેન્દ્ર સરકારે નવા ટેલિકોમ બિલમાં ઘણી જૂની જોગવાઈઓ હટાવી દીધી છે. નવા બિલમાં કંપનીઓને નાદારી, વ્યાજ માફી અને પેનલ્ટી સંબંધિત જોગવાઈઓ હટાવી દેવામાં આવી છે. હવે સરકાર હરાજી વગર ડીટીએચ કંપનીઓને સ્પેક્ટ્રમ પણ આપશે.
નવા ટેલિકોમ બિલમાં શું થશે?
આ બિલ સાથે ટેલિકોમ કંપનીઓ માટે ઘણા મહત્વપૂર્ણ નિયમો સરળ થઈ જશે. આ બિલ દ્વારા સેટેલાઇટ સેવાઓ માટે નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, સરકાર ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડિયા)ના અધિકારક્ષેત્રમાં પણ કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બિલમાં આવી જોગવાઈઓ કરવામાં આવશે, જે ગ્રાહક સેવાઓ માટે કંપનીઓની દેખરેખ અને જવાબદારી બંનેમાં વધારો કરશે. આનાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે અને વૈશ્વિક સ્પર્ધાને ધ્યાનમાં રાખીને નવા બેન્ચમાર્ક પણ સેટ થશે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા તેમજ ઓટીટી પ્લેટફોર્મ માટે આવી રહ્યું છે New Telecom Bill