

મુંબઈમાં કોરોના પ્રતિબંધને કારણે બે વર્ષ બાદ શુક્રવારે દહીંહાંડીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. આ વર્ષે દહીંહાંડી ઉજવણી દરમિયાન કુલ 111 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 88ને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 23ને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત સ્થિર છે. 17 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોવિંદાઓને 10 લાખ રૂપિયાના વીમાની જાહેરાત કરી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના એક અધિકારીએ કહ્યું કે, સૂચના મુજબ, તમામ જાહેર હોસ્પિટલોએ દર્દીઓને મફત સારવાર આપવાની રહેશે. કોઈપણ રીતે આ હોસ્પિટલો સારવાર માટે કોઈ ફી લેતી નથી.
આ વર્ષે દહીંહાંડી દરમિયાન ઘાયલ થયેલા ગોવિંદાઓની સંખ્યા ઓછી
તમને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારી પછી આ પહેલીવાર છે જ્યારે દહીં હાંડીનો તહેવાર કોઈપણ પ્રતિબંધ વિના ઉજવવામાં આવ્યો છે. જો કે, આ વખતે કોવિડ પહેલાના સમયગાળા (2019)ની તુલનામાં તહેવાર દરમિયાન ઘાયલ થયેલા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. 2019 માં સમારોહ દરમિયાન કુલ 119 લોકો ઘાયલ થયા હતા.

દહીંહાંડી ઉત્સવ દરમિયાન દર્દીઓને નાની મોટી ઈજાઓ થઈ
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સરકાર સંચાલિત જેજે હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય સુરાસેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મોટાભાગના દર્દીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે. કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. જોકે, ઉપનગરોમાં તહેવારો મોડી સાંજથી શરૂ થતાં પરિસ્થિતિ બદલાઈ શકે છે.
આ પણ વાંચો : બાંકે બિહારીથી લઈને મુંબઈની દહીં હાંડી, જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ, જુઓ PHOTOS
હોસ્પિટલોમાં ઘાયલ ગોવિંદાઓ માટે બેડ રિઝર્વ
જણાવી દઈએ કે BMC દ્વારા સંચાલિત હોસ્પિટલોએ દહીંહાંડી તહેવાર દરમિયાન ઘાયલ થયેલા ગોવિંદાઓ માટે અલગ બેડ તૈયાર રાખ્યા છે. બીજી તરફ કૂપર હોસ્પિટલે ચાર બેડ અલગ રાખ્યા છે જ્યારે કેઈએમ હોસ્પિટલે 10 બેડ રિઝર્વમાં રાખ્યા છે. આ સિવાય સાયન અને નાયર હોસ્પિટલોએ મેડિકલ ઈમરજન્સી અને ટ્રોમા ટીમને એલર્ટ પર મૂકી દીધી છે.