‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદન પર તેજસ્વી યાદવે ફરી સુપ્રીમ કોર્ટમાં માંગી માફી
બિહાર, 5 ફેબ્રુઆરી: ગુજરાતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ફસાયેલા આજેડીના નેતા તેજસ્વી યાદવે માફી માંગી છે. એક રિપોર્ટ અનુસાર તેમણે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ અંગે એફિડેવિટ પણ દાખલ કરી છે. આ પહેલા યાદવે કેસને ગુજરાતની બહાર નવી દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
તેજસ્વી પર તેની કથિત ટિપ્પણી ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ માટે ફોજદારી માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. તેમણે આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની ખાસ વિનંતી કરી છે. જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે તેજસ્વી દ્વારા દાખલ કરવામાં આવેલા તાજેતરના માફીના નિવેદનને પણ રેકોર્ડ કર્યું છે.
29 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે યાદવને ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ એવી તેમની કથિત ટિપ્પણી પાછી ખેંચીને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. યાદવે 19 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરીને પોતાની કથિત ટિપ્પણી પાછી ખેંચી લીધી હતી. એક રિપોર્ટ અનુસાર ફરિયાદીએ અગાઉ દાખલ કરેલા સોગંદનામા સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ અદાલત દ્વારા તેજસ્વી યાદવને એક સપ્તાહની અંદર નવું નિવેદન દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે, આરજેડી નેતાની અરજીની સુનાવણી કરતી વખતે, અગાઉ ફોજદારી માનહાનિની ફરિયાદમાં કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી અને ફાઇલ કરનાર, ગુજરાતના રહેવાસી હરેશ મહેતાને નોટિસ જારી કરી હતી. મહેતા સ્થાનિક વેપારી અને કાર્યકર છે. કથિત અપરાધિક માનહાનિ માટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 અને 500 હેઠળ તેજસ્વી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
માર્ચ 2023માં તેજસ્વી યાદવે ગુજરાતીઓ અંગે નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે. બેંકોના પૈસા લઈને ભાગી જનારા લોકોને માફ કરવામાં આવી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ ગુજરાતના એક વેપારી અને સામાજિક કાર્યકર્તા હરેશ મહેતાએ તેમની સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેજસ્વી યાદવની ટિપ્પણીથી તમામ ગુજરાતીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો: 22 વર્ષ પહેલા ઘરેથી ગુમ થયેલો છોકરો ઘરે પહોંચ્યો, તેનો વેશ જોઈ પરિવાર થયો ભાવુક