નેશનલ

તીસ્તા સેતલવાડને આખરે 69 દિવસ બાદ મળ્યા જામીન,સુપ્રીમ કોર્ટે આપી રાહત

Text To Speech

2002 માં ગુજરાતના રમખાણોના કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા શેતલવાડના વચગાળાના જામીન આખરે મંજૂર કરવામાં આવ્યા છે. જોકે આ અંગે અંતે ચુકાદો ગુજરાત હાઈકોર્ટે કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેસની યોગ્યતા પર નથી જતા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપીએ છીએ, કારણ કે મહિલા બે મહિનાથી જેલમાં છે. બીજું, તપાસ એજન્સીએ સાત દિવસ સુધી પૂછપરછ કરી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે, તેથી અરજદારને રાહત મળવી જોઈએ.

CJIએ પૂછ્યું કે, શું સાક્ષીઓને તીસ્તા સેતલવાડ દ્વારા ક્યારેય હેરાન કરવામાં આવ્યા હતા અથવા તેમના તરફથી કોઈ દબાણ હતું.? તેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, આવી કોઈ ફરિયાદ નથી. સીજેઆઈએ સિબ્બલને પણ પૂછ્યું કે તમારે આ અંગે કંઈક કહેવું છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું તે મહિલાની પૂછપરછમાં કંઈ મળ્યું છે ? કેટલા દિવસ સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી? આ અંગે એસજીએ જણાવ્યું હતું કે 7 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

તીસ્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે. 2002માં બનેલી ઘટનાનો આજે 2022માં આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું તમારા પર પુરાવા સાથે ચેડા કરવાનો કોઈ આરોપ છે. જેના પર સિબ્બલે કહ્યું, બિલકુલ નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ હજી પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે તેથી અંતિમ નિર્ણય હાઈકોર્ટે લેવાનો રહેશે. અમારા મતે જામીન આપીને અરજદારને જેલમુક્ત કરવા જોઈએ પરંતુ હાઈકોર્ટ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાય બંધાયેલ છે. અમારા માત્ર સૂચનો છે જે હાઈકોર્ટને બાધ્ય નથી.

આ પણ વાંચો : માલધારી સમાજના પ્રશ્નોનું આવ્યું નિરાકરણ : પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપી બાંહેધરી

શું છે સમગ્ર ઘટના ?

ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો પૂર્વયોજિત કાવતરું હતા અને તેમાં એ સમયે મુખ્યમંત્રી (હાલ વડાપ્રધાન) નરેન્દ્ર મોદી અને અન્ય સામે કાયર્વાહી થવી જોઈએ એવી ઝકીયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે 24 જુને ફગાવી દીધી હતી. આ અરજી અને આક્ષેપો કોઈના ઈશારે થયા હોય એવું લાગે છે અને આ ઘટનામાં કાલ્પનિક, તથ્યથી વેગળા નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતા ચુકાદામાં કરી છે.

Back to top button