દારૂની ભઠ્ઠી શોધવામાં ટેક્નોલોજીની મદદ : સુરત જિલ્લા પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી 6 ભઠ્ઠી પકડી
તાજેતરમાં બોટાદ અને અમદાવાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યની તમામ પોલીસ સક્રિય રીતે દેશીદારૂના દુષણને ડામવા કામે લાગી છે ત્યારે બારડોલી ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા બારડોલી પંથકમાં અલગ અલગ 185 સ્થળોએ દરોડા પાડીને દેશીદારૂ અને રસાયણ વેચાણનાં કેસો કરવામાં આવ્યા છે. તેમજ વેરાન સ્થળોએ દેશીદારૂની ભઠ્ઠીઓ પણ તોડવામાં આવી છે. આજે કામરેજ તાલુકામાં ડ્રોન ના ઉપયોગથી જિલ્લા પોલીસે દારૂની છ ભઠ્ઠીઓ પકડી છે.
દારૂની ભઠ્ઠી શોધવા કરશે ડ્રોનનો ઉપયોગ
ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને હવે સુરત રૂરલ પોલીસ દ્વારા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોન દ્વારા દેશીદારૂનું દુષણ ડામવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે નદી કિનારે ઝાડી ઝાખરામાં ભઠ્ઠીઓમાં દેશી દારૂ ગાળવામાં આવે છે. અને તેવી ભઠ્ઠીઓ સુધી પોલીસ માટે પહોંચવું મુશ્કેલ થઇ જાય છે. ત્યારે આવી જગ્યા પર રેડ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન ઉડાવી જે તે સ્થળે રેડ કરવામાં આવી રહી છે. આજે પણ કામરેજ સહિતના નદી કાંઠાના વિસ્તારમાં પોલીસે ડ્રોન ની મદદથી દારૂની ભઠ્ઠી શોધવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે દેશીદારૂની ભઠ્ઠીઓ, દેશી દારૂનાં તેમજ રસાયણનાં વેચાણ પર રોક લગાવવા તમામ પોલીસ મથકોને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે. બારડોલી ટાઉન તથા રૂરલ પોલીસનાં પી.આઈ એન. એમ.પ્રજાપતિ તથા પી.એસ.આઈ ડી.આર.રાવ તથા એમ.બી.આહિર દ્વારા બારડોલી નગર, સરભોણ, મોતા, મઢી, કડોદ, વાકાનેર સહિતના આસપાસના ગામોમાં રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા સુરત જિલ્લા પોલીસ ડ્રોનના સહારો લીધો, ડ્રોન ઉડાવી પકડી દારૂની છ ભઠ્ઠીઓ@SP_SuratRural @GujaratPolice #Surat #latthakand #drone #dronephotography #suratpolice #Police #liquor #desidaru #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/GtwCAA2Yr0
— Hum Dekhenge News (@humdekhengenews) July 30, 2022
છેલ્લા ત્રણ દિવસમાં 185 સ્થળોએ કરાઈ રેડ
બારડોલી તાલુકામાં પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસમાં કુલ 185 જેટલા અલગ અલગ સ્થળોએ રેડ કરવામાં આવી હતી. જયાંથી પોલીસને દારૂ વેચાણ બંધ હોવાનું જાણવા મળતા નીલ રીપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. દેશીદારૂના વેચાણના કુલ 17 કેસો, દેશીદારૂ બનાવવા માટે વપરાતા રસાયણના વેચાણના 10 કેસો સહીત દારૂ ગાળવાની 4 ભઠ્ઠીઓ સાથે વિદેશીદારૂનાં 5 કેસો કરવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં આ કાર્યવાહી હજી પણ તેજ કરવામાં આવશે તેવું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને બોટાદના બરવાળા ગામની ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસ હવે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેના માટે સજ્જ બની છે. તેમજ આવનારા સમયમાં વધુ કડક કાર્યવાહીની ચીમકીને પગલે દારૂનું વેચાણ કરનારાઓમાં પણ અત્યારથી જ ફફડાટ જોવા મળી રહ્યો છે.