ટ્રેન્ડિંગવર્લ્ડ

ટેક સિટી બેંગલુરુ વિશ્વનું છઠ્ઠું સૌથી વધુ ગીચતા ધરાવતું શહેર બન્યું : જાણો વિશ્વનું ક્યુ શહેર છે પ્રથમ નંબરે

અમદાવાદ, 03 ફેબ્રુઆરી: ભારતની ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ કેપિટલ તરીકે જાણીતું બેંગલુરુ(Bengaluru) વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરોમાં(congested cities) છઠ્ઠા ક્રમે છે. ડચ લોકેશન ટેક્નોલોજી નિષ્ણાત ટોમ ટોમે વર્ષ 2023ના આધારે આ રિપોર્ટ જાહેર કર્યો છે. નોંધનીય છે કે વર્ષ 2022માં બેંગલુરુ વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરોમાં બીજા ક્રમે હતું.

વિશ્વનું સૌથી વધુ ગીચ શહેર કયું છે

આવામાં વિચાર આવે કે વિશ્વનું સૌથી વધુ ગીચ શહેર કયું છે? ગીચ એટલે કે જ્યાં ઘણી ભીડ હોય તેવું શહેર. ભારે ટ્રાફિકને કારણે શહેરના રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ છે. ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ 2023(Traffic Index 2023) એ વિશ્વના ટોપ-10 સૌથી વધુ ગીચ શહેરોની((congested cities)) યાદી બહાર પાડી છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે કર્ણાટકની રાજધાની બેંગલુરુના ટ્રાફિકમાં થોડો સુધારો થયો છે. આ પહેલા ભારતનું બેંગલુરુ આ ઈન્ડેક્સમાં બીજા સ્થાને હતું. પરંતુ 2023માં શહેરમાં ભીડનું સ્તર ઘટવાને કારણે તે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.

આ યાદીમાં પૂણેનો પણ સમાવેશ થાય છે

વર્ષ 2022 માં, બેંગલુરુમાં 10 કિલોમીટર ડ્રાઇવ કરવામાં સરેરાશ 30 મિનિટનો સમય લાગ્યો હતો. વર્ષ 2023માં આ અંતર માટે મુસાફરીનો સમય ઘટીને 28 મિનિટ થઈ ગયો છે. આ યાદીમાં ભારતનું બીજું શહેર પુણે પણ સામેલ છે. ટોમ ટોમ ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, વર્ષ 2023માં પુણેમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 27 મિનિટ અને 50 સેકન્ડનો સમય લાગ્યો હતો. વર્ષ 2022ની સરખામણીમાં આ સમય 30 સેકન્ડનો વધારો થયો છે.

ટોચ પર લંડન

આ યાદીમાં પ્રથમ સ્થાને લંડન છે. લંડન ફરી એકવાર વિશ્વના સૌથી વધુ ભીડભાડવાળા શહેર બન્યું છે. 2023માં લંડનમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં તેને સરેરાશ 37 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગ્યો છે. આ વિશ્વમાં સૌથી વધુ મુસાફરીનો સમય છે.  લંડનમાં સરેરાશ ઝડપ માત્ર 14 કિલોમીટર પ્રતિ કલાક હતી. લંડન ઉપરાંત, ટોચના પાંચ સૌથી વધુ ભીડવાળા શહેરોમાં આયર્લેન્ડનું ડબલિન (16 કિમી પ્રતિ કલાક), કેનેડાનું ટોરોન્ટો (18 કિમી પ્રતિ કલાક), ઇટાલીનું મિલાન (17 કિમી પ્રતિ કલાક) અને પેરુનું લિમા (17 કિમી પ્રતિ કલાક) હતી.

શું છે દિલ્હી અને મુંબઈની હાલત?

દેશની રાજધાની નવી દિલ્હી વિશ્વનું 44મું સૌથી વધુ ગીચ શહેર છે. અહીં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 21 મિનિટ 40 સેકન્ડનો સમય લાગ્યો હતો. તે જ સમયે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આ મામલે 54માં સ્થાને છે. અહીં 2023માં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 21 મિનિટ 20 સેકન્ડનો સમય લાગ્યો હતો.

ટોમ ટોમ ટ્રાફિકે આ ઇન્ડેક્સ માટે 55 દેશોના 387 શહેરોનો ડેટા લીધો અને તેમના સરેરાશ મુસાફરી સમયની સરખામણી કરી. ઈન્ડેક્સના ટોપ-10 શહેરો નીચે મુજબ છે.

1. લંડન
2.ડબલિન
3. ટોરોન્ટો
4. મિલાન
5. લિમા
6. બેંગલુરુ
7. પુણે
8. બુકારેસ્ટ
9. મનિલા
10. બ્રસેલ્સ

Back to top button