ટ્રેન્ડિંગનેશનલ

‘હાથીની આંખોમાં આંસુ’ વાયનાડ ભૂસ્ખલનની ઘટનામાં ગજરાજે દાદી-પૌત્રીનો બચાવ્યો જીવ

વાયનાડ, 6 ઓગસ્ટ: કેટલીક સાચી ઘટનાઓ પર વિશ્વાસ કરવો સરળ નથી હોતો… આવી ઘટનાઓ લોકોને વિચારવા પર મજબૂર કરી નાખે છે કે શું ખરેખર આવું બની શકે છે? શું જંગલી હાથી કોઈકનો જીવ બચાવવા માટે આખી રાત જાગતો રહી શકે છે? જંગલી હાથીના નામથી લોકો ડરે છે પરંતુ આ પ્રાણીએ હાલમાં જ વાયનાડ દુર્ઘટનામાં એક દાદી અને પૌત્રીનો જીવ બચાવ્યો છે. આવો અમે તમને આ ઘટના વિશે જણાવીએ.

શું છે સમગ્ર ઘટના?

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાથી ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. ઘણા પરિવારો પાણીમાં વહી ગયા છે આવા હૃદયદ્રાવક અહેવાલો વચ્ચે એક સાચી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ વિશે જાણીને આશ્ચર્યચકિત થયાં છે. આ સ્ટોરી ભૂસ્ખલનમાંથી બચી ગયેલી દાદી અને પૌત્રીની છે.

30મી જુલાઈની રાત્રે સુજાતા અને તેની પૌત્રી મૃદુલા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. ચુરલમાલા ભૂસ્ખલનમાં તેમનું ઘર તૂટી પડ્યું હતું. પાણીના જોરદાર પ્રવાહને કારણે બંને પૂરમાં વહી ગયા અને જંગલમાં પહોંચી ગયા. તે સમયે મોડી રાત થઈ ગઈ હતી. રાતના લગભગ 1:30 વાગ્યા હતા. દાદી સુજાતાએ પોતાની પૌત્રીને છાતીએ ચાપી રાખી હતી. કોઈક રીતે તે પાણીમાંથી બહાર આવી ગયા પરંતુ જ્યારે તેમણે તેમની આંખો ખોલી તો તેમની સામે એક વિશાળ જંગલી હાથી ઉભો હતો.

દાદી સુજાતાએ ડરી ગયા અને હાથ જોડીને હાથીને પ્રાર્થના કરવા લાગ્યા. તેમણે હાથીને દયાળુ બનવા કહ્યું. દાદીના કહેવા પ્રમાણે, તેમણે હાથીને કહ્યું કે, “હું હમણા જ મારી પૌત્રીને મૃત્યુના ચુંગાલમાંથી બચાવીને બહાર લાવી છું. જો તમારા હૃદયમાં પ્રેમ હોય તો અમને છોડી દો.”

દાદીમાએ હાથીની આંખોમાં આંસુ જોયા

દાદીનો દાવો છે કે, આ પછી તેણે જોયું કે હાથીની આંખો ભીની હતી. તેની આંખોમાં આંસુ હતા. આ પછી હાથી સવારે 6 વાગ્યા સુધી શાંતિથી ત્યાં જ ઊભો રહ્યો. જ્યાં સુધી રેસ્કયુ ટીમ પહોંચી નહિ ત્યાં સુધી હાથીએ દાદી અને તેમની પૌત્રીને વરસાદથી બચાવ્યા હતા દાદીના કહેવા પ્રમાણે, હાથીએ તેના પગ પાસે આશ્રય આપ્યો અને તેમનો જીવ બચાવ્યો. હવે દાદીનો પરિવાર મેપ્પડીમાં રાહત શિબિરમાં છે. તેમની તબિયત સુધરી રહી છે. દાદી કહે છે કે, તે હંમેશા તેમના અદ્ભૂત રક્ષક હાથીના આભારી રહેશે, તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ પણ જૂઓ: વાયનાડ ભૂસ્ખલન : આર્મીનું રેસ્ક્યુ ઓપરેશન જોઈ ભાવુક થયો ત્રીજા ધોરણનો વિદ્યાર્થી, સેનાને પત્ર લખી જુઓ શું કહ્યું ?

Back to top button