T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 World Cupની બીજી સેમીફાઈનલ જે ટીમ રમશે તેને તકલીફ પડશે

14 મે, કિંગસ્ટન (જમૈકા): T20 World Cup હવે બહુ દુર નથી અને વિશ્વભરના ક્રિકેટ ફેન્સ તેની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. પરંતુ હવે એક તકલીફ ઉડીને તમામ આયોજકોની આંખ સામે આવી છે. આ તકલીફ એવી છે કે જે ટીમો આ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલ રમશે તેને મોટી તકલીફ પડવાની છે.

વાત એવી છે કે T20 વર્લ્ડ કપની બંને સેમીફાઈનલ મેચો અનુક્રમે 26 અને 27 જૂને નક્કી કરવામાં આવી છે અને ફાઈનલ 29 જૂને. હવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે ટીમ બીજી સેમીફાઈનલ કે જે 27 જૂને રમશે તેને કદાચ સેમીફાઈનલ અને ફાઈનલ સતત બે દિવસ રમવાની ફરજ પડી શકે છે.

આ શંકા ઉભી થવા પાછળનું કારણ એવું છે કે જો ન કરે ને નારાયણ, બીજી સેમીફાઈનલ દરમ્યાન વરસાદ પડે અને મેચ બીજા દિવસે એટલેકે 28 જૂનના રિઝર્વ ડે પર ખસેડવી પડે તો જે બે ટીમો આ મેચ રમશે તેને બીજા જ દિવસે એટલેકે 29 જૂનના દિવસે ફાઈનલ પણ રમવી પડે તેમ છે. આમ સતત બે દિવસે બે મેચો રમવી એ બેમાંથી કોઈ એક ટીમને થકવી નાખે તેવી ઘટના બની શકે છે જે તેના ફાઈનલના પરફોર્મન્સ પર અસર કરી શકે છે.

પરંતુ આયોજકોનું કહેવું છે કે વેસ્ટ ઇન્ડિઝમાં જૂન મહિનો એ  ઉનાળાનો મહિનો છે અને તેને ધ્યાનમાં રાખીને જ ICC અને સ્થાનિક ક્રિકેટ બોર્ડે આ T20 World Cupનો આખો કાર્યક્રમ ઘડ્યો છે. પરંતુ ઘણી વખત કુદરત આપણને આશ્ચર્યમાં નાખી શકે છે અને એનો જ ડર હવે આયોજકોને પણ લાગવા લાગ્યો છે.

બીજી સેમીફાઈનલમાં કઈ ટીમ રમે તેની શક્યતાઓ વધારે છે?

આ પ્રશ્નનો જવાબ લઈએ તે પહેલાં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ મેચ રમાશે ક્યાં. કોઈ પણ ટીમ જેને બીજી સેમીફાઈનલમાં રમવાનું છે તેણે પહેલાં તો ગયાનાના પ્રોવિડન્સમાં આવેલા સ્ટેડિયમમાં રમવાનું છે, આ મેચ 27મીએ પતાવીને અને જો તેમાં જીત મળે તો બીજે દિવસે અહિંથી ફ્લાઈટમાં બાર્બાડોઝના બ્રિજટાઉનમાં ફાઈનલ રમવા જવાનું છે.

હવે કુદરતનું કરવું અને 27મીએ પૂરી મેચ ધોવાઈ જાય અથવાતો બીજી ઇનિંગ ધોવાઇ જાય તો બાકીની મેચ 28મીએ રિઝર્વ ડે ના દિવસે રમવી પડે તો પ્રોવિડન્સથી બાર્બાડોઝની ફ્લાઈટ લગભગ 2 કલાક લાંબી હોવાથી ટીમ થાકી જઈ શકે છે.

ICC દ્વારા T20 World Cupનો પ્રોગ્રામ એ રીતે ગોઠવવામાં આવ્યો છે કે જો ભારત સેમીફાઈનલ માટે ક્વોલીફાય થશે તો તેણે 27 તારીખે પ્રોવિડન્સ ખાતે રમાનારી બીજી સેમીફાઈનલમાં જ રમવાનું આવશે, આમ જો તે દિવસે વરસાદ પડે અને મેચ બીજા દિવસે ખેંચાય અને તો પણ ભારત જીતી જાય તો ટીમે સતત બે દિવસમાં બે મેચો રમવાની તૈયારી રાખવી પડશે.

Back to top button