ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ ડકવર્થ એન્ડ લુઈસ (DLS) નિયમ હેઠળ બે રને જીતી લીધી છે. 18 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં જ્યારે ભારતીય ટીમે 6.5 ઓવરમાં બે વિકેટે 47 રન બનાવી લીધા હતા ત્યારે જ વરસાદ આવ્યો હતો. તે સમયે ભારત બે રનથી આગળ હતું.
ઓપનર જોડીની જબરદસ્ત શરૂઆત
યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ભારતીય ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. જેના કારણે મેન ઇન બ્લુએ છ ઓવરમાં કોઈપણ નુકશાન વિના 45 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની સાતમી ઓવરમાં ક્રેગ યંગે ભારતને બે જોરદાર ઝટકા આપ્યા હતા. સૌથી પહેલા તેણે યશસ્વી જયસ્વાલને કેપ્ટન પોલ સ્ટર્લિંગના હાથે કેચ આઉટ કરાવ્યો. જયસ્વાલે 23 બોલમાં 24 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
બીજી T20 મેચ 20 ઓગસ્ટે રમાશે
યંગે પછીના બોલ પર તિલક વર્માને લોર્કન ટકરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તિલક પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. તિલકના આઉટ થયા બાદ માત્ર બે બોલ જ રમી શક્યા હતા. સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ 19 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 20 ઓગસ્ટે રમાશે.