ટીમ ઈન્ડિયાનું મિશન T20 WC શરૂ : વર્લ્ડ કપ માટે WACA નાં મેદાન પર તૈયાર કરે છે પ્લાન
હાલમાં જ ઓસ્ટ્રેલિયા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ તરત જ મિશન T20 વર્લ્ડ કપ શરૂ કરી દીધું છે. આગામી 23 ઓક્ટોબરના રોજ, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં પાકિસ્તાન સામે આ અભિયાનની શરૂઆત કરશે અને આ હાઈ-વોલ્ટેજ મેચની યોજના WACA નાં મેદાન ખાતે તૈયાર કરવામાં આવી રહી છે. આજે, ટીમ ઈન્ડિયાએ WACAના મેદાન પર તેના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જ્યાં ખેલાડીઓએ હળવી તાલીમ લીધી હતી. ભારતીય ટીમનાં સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સોહમ દેસાઈએ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ પહેલા ટીમની તૈયારીઓ વિશે વાત કરી હતી.
આ પણ વાંચો : આ 3 કારણોને લીધે રોળાઈ શકે છે ટીમ ઈન્ડિયાનું વિશ્ર્વકપ જીતવાનું સ્વપ્ન
કન્ડિશનિંગ કેમ્પ ખેલાડીઓ માટે ઘણો મદદરુપ બનશે : કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈ
સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈએ કન્ડિશનિંગ કેમ્પ વિશે વાત કરતાં કહ્યું હતું કે,’ભારતને ઘણી વખત મોટી ટુર્નામેન્ટમાં સીધું જ રમવું પડે છે, પરંતુ T20 વર્લ્ડ કપ પહેલા કંડિશનિંગ કેમ્પ ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં પોતાને અનુકૂળ બનાવવા માટે ઘણો મદદરુપ બનશે. ટીમ ઈન્ડિયાએ મેલબોર્નના મેદાન પર પાકિસ્તાન સામે ઉતરતા પહેલા બે પ્રેક્ટિસ મેચ રમવાની છે.’
ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનમાં 2 વોર્મ-અપ રમશે : ફિટનેસ અને સ્કિલ પર કામ કરવામાં આવશે
આગામી 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં પહેલા બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ પણ રમશે. પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન દેસાઈએ કહ્યું હતું કે ,’ટીમ ઈન્ડિયા માટે આવનારા 8 દિવસ ખૂબ જ મહત્વના છે. આગામી 8 દિવસ સુધી ફિટનેસ અને કૌશલ્ય પર કામ કરવામાં આવશે જેથી ટીમ પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપમાં ભારતનું અભિયાન શરૂ કરતા પહેલા સંપૂર્ણ રીતે તૈયાર હોય.’ આ ઉપરાંત સોહન દેસાઈએ કન્ડિશનિંગ કેમ્પ માટેનું આયોદન કરવા બદલ મેનેજમેન્ટ અને BCCIનો પણ આભાર માન્યો હતો.
ઓસ્ટ્રેલિયાની પીચોને અનુરૂપ થવામાં મદદ મળશે : રાહુલ દ્રવિડ
આ કેમ્પ વિશે પર્થ જતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે,’ આ કેમ્પનો હેતુ ઓસ્ટ્રેલિયાની પીચોની ગતિ અને ઉછાળ વિશે જાણકારી મેળવવાનો છે, કારણ કે મોટાભાગના ખેલાડીઓને અહીં રમવાનો અનુભવ નથી. જેથી આ કેમ્પ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાની પીચોને અનુરૂપ થવામાં મદદ કરશે.’