T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

રવીન્દ્ર જાડેજાના કંગાળ ફોર્મ વિશે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચનું મહત્ત્વનું નિવેદન

Text To Speech

12 જૂન, ન્યૂયોર્ક: આજકાલ ચાલી રહેલા ICC T20 World Cupમાં ભારત બે મેચ રમ્યું છે. બંને મેચમાં ટીમ ઇન્ડિયાના મહત્વપૂર્ણ આધાર એવા રવીન્દ્ર જાડેજાના કંગાળ ફોર્મ અંગે દરેક ફેન ચિંતામાં છે. ભારત અત્યારસુધી આ વર્લ્ડ કપમાં બે મેચ રમ્યું છે. પહેલી મેચ આયરલેન્ડ અને બીજી મેચ પાકિસ્તાન સામે. પરંતુ આ બંને મેચોમાં રવીન્દ્ર જાડેજા કશું ખાસ કરી શક્યો નથી.

જાડેજા એક ઓલરાઉન્ડર તરીકે પંકાયેલો છે, પરંતુ અત્યાર સુધી તેણે ન તો વિકેટો લીધી છે કે ન તો રન્સ બનાવ્યા છે. પાકિસ્તાન સામે તો તે પહેલા બોલે જ આઉટ થઇ ગયો હતો. ન્યૂયોર્ક જ્યાં ભારત તેની પ્રથમ ત્રણ મેચો રમી રહ્યું છે તેની પીચનો અસમાન ઉછાળ ખરેખર તો જાડેજા જેવા સ્પિનર માટે આશીર્વાદરૂપ હોવા જોઈએ તેમ છતાં જાડેજા નિષ્ફળ નીવડ્યો છે તે હકીકત છે.

આ જ હકીકત તરફ જ્યારે યુએસએ સામેની મેચ અગાઉ આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન એક પત્રકારે જ્યારે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેને આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો ત્યારે મ્હામ્બ્રે જાડેજા અંગે સકારાત્મક લાગ્યા હતા. પત્રકારના પ્રશ્નના જવાબમાં પારસ મ્હામ્બ્રેએ જણાવ્યું હતું કે દરેક મેચમાં દરેક ખેલાડી સારું રમે તે શક્ય જ નથી. ક્રિકેટ એક ટીમ ગેમ છે અને આથી દરેક ખેલાડીઓ પોતપોતાની રીતે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરતા હોય છે. આવામાં ફક્ત રવિન્દ્ર જાડેજા તરફ આંગળી ઉંચી કરવી તે યોગ્ય નથી.

મ્હામ્બ્રેનું કહેવું હતું, ‘આ અંગે રાહુલ (દ્રવિડ) અને વિકી (બેટિંગ કોચ વિક્રમ રાઠોડ) સાથે રવીન્દ્ર જાડેજાના વિષય પર મારે ચર્ચા થઇ છે અને અમને ત્રણેયને વિશ્વાસ છે કે જાડેજા બહુ જલ્દીથી પોતાનું ફોર્મ પરત મેળવી લેશે.’ પારસ મ્હામ્બ્રેએ એમ પણ કહ્યું હતું કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ બહુ લાંબી હોય છે આથી કોઇપણ ખેલાડીના ફોર્મ વિશે કોઇપણ ટીપ્પણી કરતા અગાઉ ધીરજ રાખવી જોઈએ.

IPL દરમ્યાન સતત આઉટ ઓફ ફોર્મ રહેલા હાર્દિક પંડ્યાનું ઉદાહરણ આપતાં પારસ મ્હામ્બ્રેએ કહ્યું હતું કે તેને વિશે તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે હાર્દિક પંડ્યા ફોર્મમાં પરત આવશે. હાર્દિક પંડ્યાએ ખરાબ IPL બાદ વર્લ્ડ કપની બંને મેચોમાં શાનદાર બોલિંગ કરી બતાવી છે.

Back to top button