નેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકા સામેની ટી 20 સીરીઝ 2-2થી ખતમ કર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ આયર્લેન્ડ સામેની ટી 20 સીરીઝ માટે રવાના થશે. જ્યારે કેટલાક ખેલાડીઓ ઈંગ્લેન્ડ જશે. આગામી કેટલાક મહિના ભારતીય ખેલાડીઓ ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી 20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં એશિયા કપ રમવાની સાથે ત્રણ દેશોનો પ્રવાસ પણ કરવાનો છે. વર્લ્ડ કપ પહેલા ભારત માત્ર ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે. ચાલો જાણીએ કે, ભારતીય ટીમનું આગામી કેટલાક મહિનાનું શેડ્યૂલ શું છે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યારે સિનિયર ખેલાડીઓથી ભરેલી ટીમ ઈંગ્લેન્ડમાં હશે. ભારતે 26 અને 28 જૂને આયર્લેન્ડ સામે બે T20 મેચોની શ્રેણી રમવાની છે. આ પછી ટીમ ઈન્ડિયા 1 જુલાઈથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફરીથી નિર્ધારિત એકમાત્ર ટેસ્ટ રમશે. આ મેચ બાદ ભારતે ઈંગ્લિશ ટીમ સામે ત્રણ ટી-20 અને વન-ડે શ્રેણી પણ રમવાની છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈએ સમાપ્ત થશે.
ઈંગ્લેન્ડ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે સાથે 5 ટી-20 મેચોની શ્રેણી રમશે. T20 શ્રેણીની છેલ્લી બે મેચ અમેરિકામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ 22 જુલાઈથી શરૂ થશે અને છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે.
ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ લગભગ 20 દિવસનો બ્રેક મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. આ વખતે એશિયા કપની યજમાની શ્રીલંકા કરી રહી છે.
એશિયા કપ બાદ ભારત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની યજમાની કરશે. આ દરમિયાન ચાર ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. જો કે, આ સીરીઝની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ શ્રેણી વર્લ્ડ કપ પહેલા રમાશે. ઓસ્ટ્રેલિયાની મહેમાનગતિ કર્યા બાદ ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડશે.