જામનગર એટલે જામરણજીતસિંહની નગરી, જેને ક્રિકેટની નગરીનુ ઉપનામ પણ મળ્યુ છે. અહીના બાળકોમાં ક્રિકેટ પ્રત્યે અનોખો લગાવ જોવા મળે છે. ત્યારે શહેરના માત્ર પાંચ વર્ષના બાળકની ક્રિકેટની રમત જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ દંગ રહી જાય છે. આ ટેણિયો તેવી શાનદાર બેટીંગ કરે છે. પાંચ વર્ષનો બાળક સમર્થ મિલન પટેલ જે કોઈ પણ પ્રકારના બોલ અને કોઈ પણ સ્પીડથી આવતા બોલને હીટ કરે છે. તેમજ સારા અનુભવી ખેલાડી જેવો આત્મવિશ્વાસ તેનામાં જોવા મળે છે.
પિતા આપી રહ્યા છે તાલીમ, સમર્થને બનવું છે સેહવાગ
સમર્થ પટેલને તેના પિતા મિલન પટેલ ક્રિકેટ અને અનેક સ્પોર્ટની તાલીમ આપે છે. ક્રિકેટના મેદાનમાં, ઘરે છત પર, શેરીમાં ક્રિકેટની પ્રેકટીશ કરે છે. સીઝનબોલ, ટેનીસ બોલ, સેન્થેટીક બોલ, રબર, પ્લાસ્ટીક, હોકી બોલ સહીતના વિવિધ બોલથી પોતાના ખાસ બેટથી પ્રેકટીસ કરે છે અને કોઈ બોલ મીસ કરતો નથી. તે વિરેન્દ્ર સહેવાગની જેમ ક્રિકેટર બનવા ઈચ્છા ધરાવે છે. આના માટે તે ખુબ જ મહેનત કરે છે. જે ક્રિકેટની સાથે ટેબલ ટેનીસ, હોકી, સહીતની રમતો પણ રમે છે. સમર્થના પિતા ફુટબોલ સારૂ રમતા હતા. તેઓ પોતાના પુત્રને પણ સ્પોર્ટમાં આગળ વધારવાની ઈચ્છા ધરાવે છે. તેઓએ સર્મથના જન્મની સાથે તેને બોલ સાથે તેનો ઉછેર કર્યો. સર્મથ જયારે બોલી-ચાલી ન શકતો ત્યારે પ્લાસ્ટીકના બેટથી ઘરમાં તેને બેટ-બોલ વડે રમાડતા. બાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી મિત્રોની મદદથી ખાસ તાલીમ આપી રહ્યા છે. સવારે ક્રિકેટ મેદાનમાં અને બાકીનો સમય ઘરની છત પર ખાસ નેટગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યુ છે. સમર્થને સારા ક્રિકેટર બનાવવા માટે પરીવાર સહકાર આપે છે. તેના પિતા છેલ્લા બે વર્ષથી પોતાનો વ્યવસાય છોડીને સમર્થનું ક્રિકેટ કોચીંગ કરી રહ્યા છે.
જામનગરમાં સારૂ મેદાન નથી એટલે પરીવાર જશે વડોદરા
જામનગરમાં સારુ ક્રિકેટ મેદાન ન હોવાથી જામનગર છોડીને પરીવાર વડોદરા રહેશે અને સમર્થની ક્રિકેટની સફર આગળ ધપાવશે. સમર્થના પિતા મિલન પટેલ પોતાના વ્યવસાય સમર્થના દાદાને આપીને, કામ છોડીને દિવસભર બાળકને તાલીમ આપવામાં લાગી ગયા છે. પરંતુ નાના બાળકને ક્રિકેટ શિખડવામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. નાના બાળક માટેના બેટ, પેડ, હેલમેટ સહીતના સાધનો મળવા ખુબ મુશકેલ બને છે. તે માટે મિત્રોએ મદદ કરતા ખાસ કારીગરો પાસે તૈયાર કરાવ્યા છે. રાજકોટ અને મેરઠથી ખાસ પ્રકારના બેટ અને સાધનો મંગાવે છે. નાના બાળકનો ક્રિકેટ પ્રત્યેનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ દંગ રહી જાય છે.