ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે આગામી સપ્તાહમાં ટીમ ઇન્ડિયાની કરાશે જાહેરાત


આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમની પસંદગી માટે આવતા અઠવાડિયે પસંદગીકારોની બેઠક યોજાવાની છે. ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પસંદગીકર્તા ટીમમાં 18 ખેલાડીઓને જગ્યા આપી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમની જાહેરાત આવતા સપ્તાહની શરૂઆતમાં જ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર પહેલા ઓક્ટોબરમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે પણ ટીમ ઈન્ડિયાની પસંદગી થવાની છે. જોકે, હવે ટીમમાં કોઈ મોટા ફેરફારના કોઈ સંકેત દેખાતા નથી.

કેપ્ટન રોહિત શર્માની સાથે માત્ર કેએલ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે. વિરાટ કોહલી ત્રીજા નંબરે અને સૂર્યકુમાર ચોથા નંબરે બેટિંગ કરશે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે ટીમનો ભાગ હશે. ઋષભ પંત અને દિનેશ કાર્તિક વિકેટ કીપર બેટ્સમેનની ભૂમિકા ભજવશે.
આ ખેલાડીઓને પણ સ્થાન મળશે : દીપક હુડાને બેકઅપ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં રાખવામાં આવી શકે છે. યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળી શકે છે. આ સિવાય ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહને પણ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે સ્થાન મળશે.

જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ શકે
ટીમ ઈન્ડિયાના નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ શકે છે. હાલમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. જોકે, પસંદગીકારો બુમરાહની ફિટનેસને લઈને જોખમ લેશે નહીં અને જો તે સંપૂર્ણ રીતે ફિટ હશે તો જ તેને ટીમમાં સ્થાન આપવામાં આવશે. આર અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચાહર, અક્ષર પટેલ અને ઈશાન કિશન એવા ખેલાડીઓ છે જેમને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. જોકે, આ ખેલાડીઓ માટે પ્લેઇંગ 11માં સ્થાન મળવું ઘણું મુશ્કેલ છે.