IPL-2024સ્પોર્ટસ

T20 World Cupની તૈયારી માટે ભારત ફક્ત એક જ પ્રેક્ટીસ મેચ રમશે

Text To Speech

15 મે, મુંબઈ: વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર T20 World Cup માટે ભારતની ટીમ ફક્ત એક જ પ્રેક્ટીસ મેચ રમશે. સામાન્ય રીતે ICC દરેક ટીમો માટે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ માટે બે પ્રેક્ટીસ મેચોનું આયોજન તો કરતી જ હોય છે.

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર હાલ પૂરતું તો એ બાબતે ફક્ત અટકળ જ લગાવી શકાય છે કે ફક્ત એક જ પ્રેક્ટીસ મેચ કેમ ગોઠવવામાં આવી છે. પરંતુ એ બાબત ચોક્કસ છે કે BCCI ભારતની વર્લ્ડ કપની તૈયારી માટેની એ મેચ ન્યૂયોર્કમાં ગોઠવવા પર ભાર મૂકી રહ્યું છે કારણકે ટીમ ત્યાં જ રોકાવાની છે.

જ્યારે ICC અને આ ટુર્નામેન્ટના આયોજક ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝ એટલેકે CWI એ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારતની આ વોર્મઅપ મેચ ફ્લોરિડામાં રમાય, જે આ વર્લ્ડ કપનું એક અન્ય વેન્યુ પણ છે. પરંતુ ભારતીય ટીમ એક લાંબો પ્રવાસ કરીને અમેરિકા પહોંચવાની છે, ઉપરથી તમામ ખેલાડીઓએ હાલમાં જ IPLની બે મહિનાની થકવી નાખતી સિઝન પૂર્ણ કરી હશે. આથી મેચ શરુ થયા અગાઉ ન્યૂયોર્કથી ફ્લોરિડા અને મેચ પૂરી થયા બાદ ફ્લોરિડાથી ન્યૂયોર્ક પરત આવવાની મુસાફરી તેમને વધુ થકવી નાખશે એવી દલીલ BCCI તરફથી કરવામાં આવી છે.

જો કે, ભારતની દરેક વોર્મઅપ મેચનું વ્યાપારિક મૂલ્ય પણ હોય છે. આ મેચો જ્યારે ભારતમાં ટેલીકાસ્ટ થાય છે ત્યારે તેને પણ ઢગલો જાહેરાતો મળતી હોય છે. ગત T20 વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વોર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયામાં ટેલીકાસ્ટ નહોતી થઇ પરંતુ ભારતમાં તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ભારત સિવાય ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ ફક્ત એક-એક પ્રેક્ટીસ મેચો જ રમશે. આ પાછળનું કારણ એવું છે કે આ બંને ટીમો ઇંગ્લેન્ડમાં જ એક T20 સિરીઝ રમવાની છે જે 30મી મેના રોજ પૂરી થશે. આથી આ બંને ટીમો પાસે પણ બે વોર્મ અપ મેચ રમવાનો સમય નહીં રહે.

ભારતીય ટીમના જે-જે ખેલાડીઓ IPL પ્લેઓફ્સમાં નથી રમવાના તેઓ 25 અને 26 મે એમ બે જૂથમાં ન્યૂયોર્ક જવા રવાના થશે. જે ખેલાડીઓ IPLની ફાઈનલમાં રમશે તેમને કોઈ અન્ય તારીખે ન્યૂયોર્ક મોકલવામાં આવશે.

Back to top button