ક્લીન સ્વીપથી બચવા ટીમ ઈન્ડિયાનો ‘માસ્ટર પ્લાન’ ! પ્લેઇંગ ઈલેવનમાં મોટો ફેરફાર થશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ શનિવારે ચિત્તાગોંગમાં રમાશે. બાંગ્લાદેશે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા હવે કોઈપણ ભોગે ક્લીન સ્વીપને રોકવા ઈચ્છશે. ભારતીય કેમ્પ ખરાબ પ્રદર્શનની સાથે-સાથે ઈજાથી પણ સંઘર્ષ કરી રહ્યું છે. ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બહાર છે. હવે ક્લીન સ્વીપ રોકવા માટે ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની સાથે ખાસ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરશે.
ટીમ ઈન્ડિયા ODI સિરીઝની છેલ્લી મેચમાં ‘માસ્ટર પ્લાન’ સાથે એન્ટ્રી કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને સુકાનીપદ મળી શકે છે. ભારતીય ટીમે કુલદીપનો ટીમમાં સમાવેશ કર્યો છે. પરંતુ તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવું મુશ્કેલ છે. કુલદીપ સ્પિન બોલર છે. અક્ષર પટેલ છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો અને તેણે અડધી સદી ફટકારી હતી. આથી અક્ષર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં શાહબાઝ અહેમદ અથવા કુલદીપ બંનેમાંથી એકને ટીમમાં સ્થાન મળી શકે છે. શાહબાઝ પણ ઓલરાઉન્ડરની ભૂમિકામાં છે. પરંતુ ભારતને એક સારા બોલરની જરૂર છે જે વિકેટ લઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ભારતને વનડે શ્રેણીની પ્રથમ મેચમાં 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટીમ ઈન્ડિયાના બોલરો બાંગ્લાદેશની છેલ્લી વિકેટ લઈ શક્યા ન હતા. આ કારણથી તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી વનડેમાં પણ ભારતીય ટીમનો રોમાંચક રીતે પરાજય થયો હતો. બાંગ્લાદેશ 5 રને જીત્યું. આ મેચમાં રોહિત શર્મા ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તે આ હોવા છતાં બેટિંગ કરવા આવ્યો હતો અને અણનમ અડધી સદી ફટકારી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટમાં), શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક