વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયાને પ્રેક્ટીસ કરવા નડી રહી છે વિચિત્ર મુશ્કેલી
29 મે, ન્યૂયોર્ક: વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ICC T20 World Cup માટે વિરાટ કોહલી સિવાય બાકીની ટીમ ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. જે ટીમો IPLના પ્લેઓફ્સમાં સામેલ ન હતી તેના ખેલાડીઓ પહેલા બેચમાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. પરંતુ અહીં પહોંચીને ટીમ ઈન્ડિયાને પ્રેક્ટીસ કરવા માટે એક વિચિત્ર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગઈકાલે ટીમ ઇન્ડિયાએ પોતાની ફિલ્ડ પ્રેક્ટીસ કરી હતી. સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈએ અહીં ખેલાડીઓને હલકું રનીંગ કરાવ્યું હતું અને તેની સાથે થોડીથોડી હલકી કસરતો પણ કરાવી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાએ હજી સુધી નેટ પ્રેક્ટીસ શરુ કરી નથી.
આ પાછળનું કારણ ટીમ ઈન્ડિયાને પ્રેક્ટીસ કરવા માટે પેલી વિચિત્ર સમસ્યાનો સામનો કરવાનો આવી રહ્યો છે તે છે. આ વિચિત્ર સમસ્યા છે અલગ ટાઈમ ઝોનની. અમેરિકામાં ન્યૂયોર્કનો સમય ભારતીય સમય કરતાં સાડા નવ કલાક પાછળ છે. આવામાં ટીમના સભ્યો શારીરિક અને માનસિક રીતે એ ટાઈમ સાથે તાલમેલ મેળવે તે જરૂરી છે.
જોકે આમ થવું સરળ નથી હોતું કારણકે આપણી બોડી ક્લોકને જે-તે ટાઈમ ઝોન સાથે તાદામ્ય સાધતા સમય લાગે છે. જ્યારે ન્યૂયોર્કમાં સવાર હોય છે ત્યારે ભારતમાં સાંજ અથવાતો રાત્રિનો સમય હોય છે આથી અચાનક જ અહીં પહોંચીને અહિંના સમય સાથે જોડાઈ જવું ઘણું અઘરું છે.
આથી જ સોહમ શાહે જણાવ્યું હતું કે, ‘આજે અમારું કોઈજ નેટ સેશન ન હતું અને આ ફિલ્ડ સેશનનો ઉદ્દેશ જ ખેલાડીઓના શરીરને અહિંના ટાઈમ ઝોન સાથે મેળવવાનો હતો અને આગામી પડકારો માટે પોતાના મનને તૈયાર કરવાનો હતો. અત્યારે અમે અ જ પ્રયાસ કરી રહ્યા છીએ.’
ભારત પોતાની એકમાત્ર પ્રેક્ટીસ મેચ એક જૂને બાંગ્લાદેશ સામે ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં રમશે. ત્યારબાદ પાંચ જૂને આ જ સ્ટેડિયમમાં આયરલેન્ડ સામે ભારત પોતાના T20 વર્લ્ડ કપની શરૂઆત કરશે. 9 જૂને ભારતનો મુકાબલો પરંપરાગત પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે થશે અને 12 જૂને તે યજમાન અમેરિકાની ટીમ સામે ટકરાશે.
ત્યારબાદ ભારત ફ્લોરિડા જશે અને અહીં તે 15 જૂને કેનેડા સામે પોતાની અંતિમ લીગ મેચ રમશે.
ICC T20 World Cup 2024 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપ-કપ્તાન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંઘ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.