ટીમ ઇન્ડિયાને ન્યૂયોર્કમાં ફરજીયાત જીમની મેમ્બરશીપ લેવી પડી
12 જૂન, ન્યૂયોર્ક: અમેરિકા એ ક્રિકેટ રમતો દેશ નથી, તેમ છતાં ICC છેલ્લા ઘણા વર્ષોથી એવો પ્રયાસ કરી રહ્યું છે કે આ દેશ પણ ક્રિકેટને બંને હાથે સ્વીકારે. ICCના આવા પ્રયાસોમાંથી જ એક છે ICC Cricket World Cup 2024 જે વેસ્ટ ઇન્ડિઝ સાથે અમેરિકા પણ હોસ્ટ કરી રહ્યું છે. પરંતુ એક ક્રિકેટરને જે બેઝિક સુવિધાઓ જોઈએ જેમાંથી જીમ પણ એક છે તે અમેરિકામાં મળી નથી રહ્યું.
ટીમ ઇન્ડિયાએ પોતાના જીમનો પ્રોબ્લેમ તો દૂર કરી દીધો છે પરંતુ તે અન્ય દેશોની ટીમ કરી શકે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. વાત એવી છે કે ટીમ ઇન્ડિયા ન્યૂયોર્કમાં જે હોટલમાં ઉતરી છે ત્યાં જીમ તો છે પરંતુ એક ક્રિકેટરને જે રીતની સુવિધાઓ જોઈએ તે આ જીમમાં નથી. આથી ટીમ મેનેજમેન્ટે મુંબઈ BCCI હેડક્વાર્ટરમાં આ બાબતે ફરિયાદ કરી હતી.
ત્યારબાદ BCC એક્શન મોડમાં આવ્યું હતું અને ટીમ ઇન્ડિયા માટે ન્યૂયોર્કમાં હોટલ નજીક આવેલા એક ખાનગી જીમમાં મેમ્બરશીપ લઇ લીધી હતી. હવે ટીમ ઇન્ડિયાના સભ્યો આ જીમમાં જઈને પોતાની કસરત કરી રહ્યા છે. પરંતુ BCCI જે વિશ્વનું સહુથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ છે તે આ રીતે તાત્કાલિક નાણાંની વ્યવસ્થા કરીને ટીમ માટે આવી વ્યવસ્થા કરી શકે છે પરંતુ અન્ય દેશોનું શું?
અમેરિકામાં આ રીતે ક્રિકેટરોને પડતી તકલીફોનું આ તો એક ઉદાહરણ છે અને આવા તો અનેક ઉદાહરણો આ વખતે વર્લ્ડ કપ દરમ્યાન સામે આવ્યા હતા. ટીમ ઇન્ડિયા જ્યારે ન્યૂયોર્ક પહોંચી ત્યારે તેની પ્રેક્ટીસ મેદાન પર નહીં પરંતુ કોઈ પાર્કમાં કરવામાં આવી હતી. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ આ માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ચલો આ તો થઇ મેદાન બહારની વાત, પરંતુ ન્યૂયોર્કનું એ મેદાન જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યંત મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી તેની પીચ પણ એક રીતે જોવા જઈએ તો રમવા જેવી નથી, વર્લ્ડ કપના સ્તરની તો વાત જ ન કરો. પીચ પર અસમાન બાઉન્સ છે અને તે અત્યંત ધીમી છે. તો આઉટ ફિલ્ડ પણ ધીમું છે અને ઘાંસ નીચે ધૂળ છે જે કોઇપણ ખેલાડીને ડાઈવ માર્યા બાદ ઈજાગ્રસ્ત કરી શકે તેમ છે.