ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાએ કેરેબિયનને હરાવી પાકિસ્તાનને પછાડ્યું, બીજી વનડે જીતી ત્રણ મેચની સીરીઝ પર 2-0થી કબજે કર્યો

Text To Speech

ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 2 વિકેટથી હરાવ્યુ છે. આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. આ વનડે સિરિઝ જીતીને ભારતે વેસ્ટઇન્ડિઝને સતત 12મી સિરિઝમાં હાર આપી છે. આ સાથે જ ભારતે કોઈ એક ટીમ સામે સતત 12 વનડે સિરિઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાન ટીમે ઝિમ્બાબ્વેને સતત 11 વનડે સિરિઝમાં હરાવ્યુ હતુ.

કેરેબિયને આપ્યો હતો 311 રનનો ટાર્ગેટ
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરનાર કેરેબિયન ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. શાઈ હોપે કરિયરની 100મી વનડેમાં 115 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન નિકોલસ પૂરને 74 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

શાઈ હોપે પોતાના 100મી વનડે મેચમાં સદી ફટકારવા વાળો દુનિયાનો 10મો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ગૉર્ડન ગ્રીનીઝ, ક્રિસ કેન્યર્સ, મોહમ્મદ યુસુફ, કુમાર સંગાકારા, ક્રિસ ગેલ, માર્કસ ટ્રેસ્કોથિક, રામનરેશ સરવન, ડેવિડ વોર્નર અને શિખર ધવને આ કારનામું કર્યુ છે.

ટીમ ઈન્ડિયાએ 312 રનના ટાર્ગેટને 49.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન અક્ષર પટેલે 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 63 રન બનાવ્યા હતા. તો સંજુ સેમસને કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તે 54 રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ વિકેટ અલ્ઝારી જોસેફ અને કાઇલ મેયર્સે 2-2 વિકેટ લીધી હતી. તો જેડેન સિલ્સ, અકીલ હુસૈન અને રોમારિયો શેફોર્ડને 1-1 વિકેટ મળી હતી.

ટોપ ઓર્ડર ફ્લોપ
કેપ્ટન શિખર ધવન 31 બોલમાં 13 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ રોમારિયો શેફોર્ડે લીધી હતી. તો કાઇલ મેયર્સે ગિલ અને સૂર્યકુમારને આઉટ કરીને વેસ્ટઇન્ડિઝને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતુ. ગિલે 49 બોલમાં 43 રન કર્યા હતા. તેણે 5 ચોગ્ગા માર્યા હતા. તો નંબર-4 પર આવેલો સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 9 રન કરી આઉટ થયો હતો.

અક્ષર પટેલની ધમાકેદાર ઈનિંગ

અક્ષર પટેલે બીજી વનડેમાં ધમાકેદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેણે 35 બોલમાં 64 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 182.86ની રહી હતી. તેના બેટેથી 3 ચોગ્ગા અને 5 છગ્ગા નિકળ્યા હતા. આ ઉપરાંત તેણે 9 ઓવરમાં 1 મેડન સાથે 40 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અને તેણે શાઈ હોપનો કેચ પણ પકડ્યો હતો. આ ધમાકેદાર ઓલરાઉન્ડ પરફોર્મંસ બદલ તેને મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

આવેશ ખાનનું ડેબ્યુ

ટીમ ઈન્ડિયા માટે આવેશ ખાને ડેબ્યૂ કર્યુ છે. તેને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યુ છે. વેસ્ટઇન્ડિઝે પણ ટીમમાં એક બદલાવ કર્યો છે. ગુડાકેશ મોતીની જગ્યાએ હેડન વૉલ્શ રમી રહ્યો છે.

Back to top button