- શહેરમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો
- સ્કૂલોના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ CPR તાલીમ અપાશે
- શાળાના કર્મચારીઓને તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યું
અમદાવાદની સ્કૂલોના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ CPR તાલીમ અપાશે. હાર્ટએટેકમાં પ્રાથમિક સારવાર અંગે સ્કૂલોના કર્મીઓને સમજાવાશે. જેમાં રાજ્યની તમામ શાળાના કર્મચારીઓને તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યું છે. વિસ્તાર પ્રમાણે કર્મચારીઓએને સ્થળ પર હાજર રહેવાની સૂચના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી
શહેરમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે
હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાંય હૃદયરોગના હુમલાથી યુવાનોના સૌથી વધુ મોત થઈ રહ્યા હોય લોકોમાં ચિંતા વધી છે. જેથી હાર્ટ એેટેક વખતે દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના શિક્ષકોને CPR (કાર્ડીયોપલ્મોનરી રિસક્સિટેશન) ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત અમદાવાદ શહેરની શાળાના કર્મચારીઓને 3 ડિસેમ્બરના રોજ વિવિધ નિયત સ્થળ પર તાલીમ આપવામાં આવશે.
બાળકો, યુવાનોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ અટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે
તાજેતરમા રાજ્યભરમાં નાની ઉંમરના બાળકો, યુવાનોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ અટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે. સતત બનતી આવી ઘટનાઓ રોકવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. જેના અનુસંધાને રાજ્યની 37 મેડિકલ કોલેજના ડીન તથા ડોક્ટર્સની ઉપસ્થિતિમાં રાજ્યભરની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં કાર્યરત તમામ કર્મચારીઓને કાર્ડીઓ પલ્મોનરી રિસક્સિટેશન (સી.પી.આર.) તાલીમનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળની તમામ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.3 ડિસેમ્બરના રોજ તાલીમ અપાશે. શહેર ડીઈઓ કચેરીની વિવિધ બીટ પ્રમાણે સ્થળ અને સમય પત્રક નક્કી કરવામાં આવ્યું છે, જે મુજબ વિસ્તાર પ્રમાણે કર્મચારીઓએને જે-તે નિયત સ્થળ પર હાજર રહેવાની સૂચના અપાઈ છે.