‘ગુરૂવંદન છાત્ર અભિનંદન’ કાર્યક્રમ હેઠળ ભારત વિકાસ પરિષદ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી
સુરત : યુગપ્રવર્તક શિક્ષક અને રાષ્ટ્રપતિ ડો.એસ.રાધાકૃષ્ણનની જન્મ જયંતિના દિવસે ગુરૂ શિષ્ય પરંપરાને ઉજાગર કરતો કાર્યક્રમ ‘ગુરૂવંદન છાત્ર અભિનંદનનો’ 5 સપ્ટેમ્બરને અનુલક્ષીને ભારત વિકાસ પરિષદ-(સુરત મેઈન) દ્વારા ઉધના, ખરવરનગરની શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ગુરૂવંદન અને છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરી એમને પ્રોત્સાહિત કરાયા હતા. દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસિયા, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન પદેથી બોલતા રમેશભાઈએ કહ્યુંકે, જે વિદ્યાર્થી ક્લાસરૂમમાં ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તેને શ્રેષ્ઠ બનવામાં વાર લાગતી નથી. તેઓ જ્ઞાનવર્ધક કસોટીમાં અનેક વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાના જ્ઞાનમાં વધારો કરવાનું કાર્ય કરે છે. સાથે જ તેમણે એવોર્ડ મેળવનાર આચાર્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
પ્રમુખ રૂપીન પચ્ચીગરે આવકાર પ્રવચનમાં સંસ્થાની શૈક્ષણિક અને સામાજીક સેવાઓનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. એમણે કહ્યું કે પરિષદ એ સંસ્કાર, સમર્પણ, સેવા અને સહયોગની ભાવનાથી કાર્યરત છે. શિક્ષણએ સમાજનું અવિભાજય અંગ છે. દરેક વ્યક્તિને શિક્ષણ પ્રાપ્ત કરવાનો હક્ક છે, અને એટલે જ પરિષદ દ્વારા મોબાઈલ સ્કુલની સ્થાપના કરી, કન્સ્ટ્રકટલેશન સાઈટ પર મજદુરોના બાળકોને અક્ષરજ્ઞાન, ભાષાાજ્ઞાન, ગણિતજ્ઞાનના પાઠ ભણાવવામાં આવે છે, અને મજદુરોના બાળકોમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરી એમનામાં દેશદાઝ પ્રગટ કરવાનો પ્રયાસ પરિષદ કરી રહી છે.
આ પણ વાંચો : Teachers’ Day : શિક્ષક દિન કેમ ભારતમાં 5 સપ્ટેમ્બરના જ ઉજવવામાં આવે છે ? શું છે ઈતિહાસ ?
શહેરની શાળાઓમાંથી પાંચ શ્રેષ્ઠ આચાર્યની પસંદગી કરાઈ હતી, જેમાં સુરત સુમન હાઈસ્કૂલ નં.4ના આચાર્ય ડો.સુરેશભાઈ અવૈયાને તેમની શ્રેષ્ઠ શિક્ષણ કામગીરી બદલ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમજ . અનિષાબેન મહીડા અને વિજયભાઈ ડાસમાને શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. દિપકભાઈ આહીરને શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે પૂર્વી ગુપ્તા, બાકાશ ગોડા, વંદા સાવલી, પ્રિન્સ ચરખાવાળા અને યુગ પટેલને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનનો પરિચય મંત્રી વિપુલ જરીવાળાએ આપ્યો હતો. એવોર્ડ વિતરણનું સંચાલન રીટાબેન કુલવાળા અને રંજનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ પ્રધ્યુમન જરીવાળાએ કરી હતા. કાર્યક્રમમાં મહેશ ચાંડક, ભાવેશ ઓઝા, વિરેન્દ્ર શારદા, હેમા સોલંકી અને બેલા પટેલે હાજરી આપી હતી.