શિક્ષક ભરતી કૌભાંડ: કલકત્તા હાઈકોર્ટે શિક્ષકથી લઈને પટાવાળા સુધીની તમામ ભરતી રદ કરી
- બંગાળમાં 2016માં થયેલા આ કૌભાંડમાં CBIએ તપાસ દરમિયાન અનેક અધિકારીઓ અને નેતાઓની ધરપકડ કરી હતી. હવે કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપતા તમામ શિક્ષકોની ભરતીઓ રદ્દ કરી
- હવે 15 દિવસમાં નવી ભરતી કરવામાં આવશે
કલકત્તા, 22 એપ્રિલ: કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં શાળા નોકરી કૌભાંડ હેઠળ 2016 માં કરવામાં આવેલી દરેક ભરતીને રદ કરી દીધી છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે 2016માં SSC હેઠળ કરવામાં આવેલી દરેક ભરતી અમાન્ય છે. તેને તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ. શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિઓ જણાઈ આવતાં તેમની ભરતી રદ કરવામાં આવી છે. જોકે કોર્ટે એક મહિલાની નોકરી યથાવત રાખી છે. આ મહિલા સોમા દાસ છે, જે કેન્સરની દર્દી છે. કોર્ટે પ્રશાસનને 15 દિવસમાં નવી ભરતી માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
West Bengal school job case: Calcutta High Court cancels 25,753 appointments made in 2016. pic.twitter.com/fXFBpS4lTA
— IANS (@ians_india) April 22, 2024
આ કૌભાંડ સંબંધિત તમામ કેસોની સુનાવણી 20 માર્ચે પૂર્ણ થઈ હતી અને ડિવિઝનલ બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. હવે લગભગ એક મહિના પછી, જસ્ટિસ દેબાંગસુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની ડિવિઝન બેન્ચે આ કૌભાંડને લગતી અનેક અરજીઓ અને અપીલો પર પોતાનો ચુકાદો આપ્યો છે.
શું છે શિક્ષક ભરતી કૌભાંડ?
વર્ષ 2016માં પશ્ચિમ બંગાળ સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. આ ભરતી સરકારી શાળાઓ માટે હતી, જેના દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની પસંદગી થવાની હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં કૌભાંડને લઈને ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે તે તમામની એક સાથે સુનાવણી કરી છે.
સીબીઆઈએ બે મહિનામાં તપાસ પૂરી કરી
કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ કરી અને પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. તેમના સિવાય પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગના કેટલાક અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટની વિનંતી પર જ સીબીઆઈએ બે મહિનામાં તેની તપાસ પૂરી કરી અને તેનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ 20 માર્ચ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહિલા ટીવી એન્કર પોતે હીટ વેવના સમાચાર વાંચતાં વાંચતા બેહોશ થઈ ગયાં