શિક્ષક સાથે થઇ છેતરપિંડી : ગિફ્ટના બહાને વિદેશી યુવતીએ પડાવ્યા રૂપિયા 11.80 લાખ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગુગળ ગામે ફરજ બજાવતા શિક્ષકે ફેસબુકના માધ્યમથી વિદેશની મહિલા સાથે મિત્રતા કરી હતી. યુવતીએ મોકલાવેલી ગિફ્ટનું પાર્સલ છોડાવવા માટે શિક્ષકે પોતાના અને પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 11.80 લાખ મોકલી દીધા હતા. બાદમાં શિક્ષકને છેતરપિંડી થઈ હોવાનું જણાતાં પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ડીસા તાલુકાના ગુગળ ગામે ફરજ બજાવતા અને ડીસાની સુખદેવ નગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામ તાલુકાના પીલુચા ગામના અર્જુનકુમાર કાળુભાઈ પરમારને ફેસબુકના માધ્યમથી વિદેશની યુવતી જેનિફર ગેહાર્ડ સાથે મિત્રતા થઈ હતી. આ યુવતી પોતે ઇટાલીની વતની અને ઇંગ્લેન્ડમાં જોબ કરતી હોવાનું જણાવી પોતાનું પ્રમોશન થયું હોઇ તેની ખુશીમાં એક ગિફ્ટ મોકલી છે. જે કુરિયર છોડાવી દેવા કહ્યું હતું. કુરિયર એજન્ટએ વિડીયો કોલ કરી પોતે દિલ્હી એરપોર્ટ ઉપર આવ્યો હોવાનું કહી નાણા નાખવાનું કહેતા અર્જુન કુમારે તેમના તેમજ તેમની પત્નીના ખાતામાંથી રૂપિયા 11,80,000 ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ ત્યારબાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.