ગુજરાતનેશનલહેલ્થ

ગુજરાતમાં ટીબીએ વધારી ચિંતા ! કોરોના કરતા ત્રણ ગણા મોત થયા !!

Text To Speech

ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં કોરોના કરતાં ટીબીની બિમારી વધારે ઘાતક પુરવાર થઇ રહી છે. જાન્યુઆરીથી મે એમ પાંચ મહિનામાં ગુજરાતમાં ટીબીથી ૨૬૭૫ના મૃત્યુ થયા છે. બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી ૮૨૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આમ, ટીબીના વધતા કેસે ચિંતા વધારી દીધી છે.

ગુજરાતમાં પાંચ મહિનામાં 68 હજાર કરતા પણ વધુ કેસ નોંધાયા, UP પ્રથમ
ગુજરાતમાંથી જાન્યુઆરી મે દરમિયાન ૬૮૭૧૮ ટીબીનો ભોગ બન્યા છે. આ સ્થિતિએ ટીબીથી મૃત્યુદર ચાર ટકાથી પણ વધારે છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ ૧૩ હજારથી વધુ લોકો ટીબી થતા હોવાનું સામે આવ્યું છે. પાંચ મહિનામાં દેશના જે રાજ્યમાં ટીબીથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૬૮૯૬ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૨૮૪૫ સાથે બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે.

વર્ષ ૨૦૧૮થી મે ૨૦૨૨ સુધી ગુજરાતમાંથી કુલ ૬.૪૭ લાખથી વધુ કેસ
ગુજરાતમાં ટીબીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮થી મે ૨૦૨૨ સુધી ગુજરાતમાંથી કુલ ૬.૪૭ લાખથી વધુ લોકોને ટીબી થયો છે. જેના ઉપરથી જ ટીબીના વધી રહેલા વ્યાપનો અંદાજ મેળવી શકાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીબીના દર્દીઓમાં થઇ રહેલો વધારો ચિંતાજનક છે.

સરકાર દ્વારા ટીબીના નિયંત્રણ માટે લેવાતા અસરકારક પગલાં
પરંતુ ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લામાં જ્યાં ટીબીના કેસ વધારે હોય તેને અનુરૃપ અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી છે. ટીબીના દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. કો-મોર્બિડ વસતી વધુ હોય ત્યાં એક્ટિવ ટીબી કેસ શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઇ પણ વ્યક્તિને ટીબીના સ્ક્નીનિંગ કે સારવાર માટે વધુ દૂર જવું પડે નહીં તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ટીબી થયો હોય તેના પરિવારના સદસ્યોને પણ ચેપ લાગે નહીં માટે ખાસ દવા સહિતના પગલા લેવામાં આવે છે.

દેશમાં ટીબીથી વર્ષ ૨૦૨૦માં ૮૯૮૨૩, વર્ષ ૨૦૨૧માં ૭૬૦૦૨ના મૃત્યુ
લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી ૨૦૨૦માં ૧૮.૦૫ લાખ જ્યારે ૨૦૨૧માં ૨૧.૩૫ લાખને ટીબી થયો હતો. એક્ટિવ કેસ શોધવા માટે લેવામાં આવી રહેલા પગલાં, આયુષમાન ભારત હેલ્થથી સેવા પૂરી પાડવાના કારણે કેસમાં વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦માં ટીબીથી ૮૯૮૨૩, વર્ષ ૨૦૨૧માં ૭૬૦૦૨ના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, ટીબીથી મૃત્યુદર ૨૦૨૦માં ૩.૯ ટકા હતો અને તે ૨૦૨૧માં વધીને ૪.૩ ટકા થયો છે.

 

Back to top button