અરુણાચલ પ્રદેશઃ તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના પર સતત ચર્ચા કરવામાં આવી રહી છે. આ વચ્ચે તવાંગ મઠે આ મામલે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના ભિક્ષુ લામા યેશી ખાવોએ કહ્યું- વડાપ્રધાન મોદી કોઈને નહીં છોડે. અમે ભારતીય સેનાનું સમર્થન કરીએ છીએ. તેમણે ચીનની સરકારને તવાંગના મુદ્દે ચેતવણી આપી છે.
તવાંગ મઠના મોન્ક લામે યેશી ખાવોએ વધુમાં કહ્યું કે- ચીનની સરકાર હંમેશા બીજા દેશના વિસ્તાર પર નજર રાખે છે અને આ સંપૂર્ણ રીતે ખોટું છે. તેમની નજર ભારતની જમીન પર પણ છે. જો તેઓ દુનિયામાં શાંતિ ઈચ્છે છે તો તેઓએ આવું ન કરવું જોઈએ.
ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ
તવાંગ મઠના મોન્ક લામા યેશી ખાવોએ કહ્યું- વડાપ્રધાન મોદીની સરકાર અને ભારતીય સેના પર પુરો વિશ્વાસ છે. સરકાર અને ભારતીય સેના તવાંગને સુરક્ષિત રાખશે. 1962ના યુદ્ધ દરમિયાન પણ આ મઠના ભિક્ષુકોએ ભારતીય સેનાની મદદ કરી હતી. ચીની સરકારનો દાવો સંપૂર્ણ ખોટો છે કે તવાંગ એમનો વિસ્તાર છે. તવાંગ ભારતનું જ અભિન્ન અંગ છે.