ગુજરાતટોપ ન્યૂઝ

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો તથ્ય પટેલ, જેલ બહાર પિતા લેવા પહોંચ્યા

અમદાવાદના બહુચર્ચિત અને ગુજરાતને હચમચાવી દેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ આખરે પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ કેસે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કરાયા બાદ તથ્ય પટેલ 2 વર્ષ, 10 મહિના અને 14 દિવસ જેલમાં રહ્યા પછી પોતાના ઘરે પરત ફર્યો છે.

જેલ બહાર પિતા લેવા પહોંચ્યા

બુધવારે સવારે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તથ્ય પટેલને અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલ બહાર તેના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કાર લઈને હાજર રહ્યા હતા. જેલના દરવાજા બહાર મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર હતા અને તથ્ય પટેલને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. માથા પર ટોપી પહેરીને બહાર આવેલા તથ્ય પટેલે મીડિયાથી અંતર જાળવ્યું હતું અને સીધો કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જામીન પ્રક્રિયા પૂર્ણ

27 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જામીન મેળવવા માટે આરોપીએ પોતાની બોનાફાઇડ ઇચ્છા દર્શાવવી પડશે અને તે માટે એક કરોડ રૂપિયાની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાની રહેશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તથ્ય પટેલના વકીલ નિસાર વૈધે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યારબાદ કોર્ટમાંથી મળેલા મુક્તિ આદેશ (બીડું) અમદાવાદ સેન્ટ્રલ જેલમાં જમા કરાવવામાં આવ્યો હતો. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તથ્ય પટેલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

જામીન સાથે કડક શરતો

સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલને કેટલાક કડક નિયમોનું પાલન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.

  • તથ્ય પટેલ ભારત છોડીને વિદેશ જઈ શકશે નહીં.
  • તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે.
  • તપાસ અને ટ્રાયલ પ્રક્રિયામાં સહકાર આપવો પડશે.
  • કોઈ પણ પ્રકારની સમાન અથવા કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં.
  • કોર્ટની મંજૂરી વિના સરનામું બદલવું અથવા વિદેશ પ્રવાસ કરવો શક્ય નહીં બને.

કોર્ટનું માનવું છે કે ટ્રાયલ દરમિયાન આરોપી ઉપલબ્ધ રહે અને ન્યાયિક પ્રક્રિયા પર કોઈ અસર ન પડે તે જરૂરી છે.

આજીવન ડ્રાઇવિંગ પર પ્રતિબંધ

ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલ સામે માત્ર ફોજદારી કાર્યવાહી જ નહીં પરંતુ વહીવટી સ્તરે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાબરમતી આરટીઓએ ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરી દીધું હતું. આ નિર્ણયના કારણે હવે તથ્ય પટેલને જીવનભર ભારતમાં કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવાની મંજૂરી મળશે નહીં. ટ્રાફિક નિષ્ણાતોના મતે, ગંભીર બેદરકારી અને અનેક લોકોના મોતના કેસમાં લેવામાં આવેલા આ પ્રકારના નિર્ણયો અત્યંત દુર્લભ ગણાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માત્ર 7 દિવસમાં દાખલ થઈ હતી ચાર્જશીટ

અકસ્માત બાદ અમદાવાદ પોલીસે ઝડપી ગતિએ તપાસ હાથ ધરી હતી. ઘટનાના માત્ર સાત દિવસમાં પોલીસે 1684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. તથ્ય પટેલ સામે ભારતીય દંડ સંહિતાની અનેક ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, ગંભીર ઈજા પહોંચાડવી, મોત નિપજાવવું સહિતની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં 14 દસ્તાવેજી પુરાવા, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, 15 ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટ, 191 સાક્ષીઓ, 25 પંચનામાં અને અનેક મેડિકલ અને ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અકસ્માત સમયે કારમાં હાજર તથ્યના મિત્રોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.

શું હતી ઇસ્કોન બ્રિજ દુર્ઘટના?

19 જુલાઈ, 2023ની મધરાત બાદ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક અકસ્માત બન્યો હતો, જેના કારણે લોકો અને પોલીસકર્મીઓ સ્થળ પર એકત્ર થયા હતા. તે દરમિયાન તથ્ય પટેલ તેની જેગુઆર કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.

આરોપ છે કે વધુ ઝડપે દોડી રહેલી જેગુઆર કાર નિયંત્રણ ગુમાવતા સીધી ભીડમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોડ સેફ્ટી, ઓવરસ્પીડિંગ અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

હજુ પૂર્ણ થયો નથી કેસ

તથ્ય પટેલને જામીન મળ્યા હોવા છતાં કેસનો અંત આવ્યો નથી. તેની સામેનો ફોજદારી કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ટ્રાયલ ચાલુ છે. કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ જામીન મળવાનો અર્થ આરોપી નિર્દોષ સાબિત થયો એવો નથી. કોર્ટમાં રજૂ થનારા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને કાયદાકીય દલીલોના આધારે અંતિમ ચુકાદો આપવામાં આવશે.

પીડિત પરિવારોની નજર હવે અંતિમ ચુકાદા પર

આ અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જામીનના સમાચાર બાદ ફરી એકવાર આ કેસ ચર્ચામાં આવ્યો છે અને હવે સૌની નજર કોર્ટના અંતિમ નિર્ણય પર ટકેલી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત ગુજરાતના ઇતિહાસની સૌથી ચર્ચિત માર્ગ દુર્ઘટનાઓમાંની એક બની ગયો છે, જેના પડઘા આજે પણ રાજ્યભરમાં સંભળાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: સરગાસણમાં શ્રીપદ આયાંશ ફ્લેટના 12મા માળે ભભૂકી આગ, સમગ્ર ફ્લેટ બળીને ખાખ

 

Back to top button