TCS બાદ ટાટા સ્ટીલની મોટી કાર્યવાહી, કંપનીમાંથી 38 કર્મચારીઓની હકાલપટ્ટી
TCS બાદ ટાટા સ્ટીલે પણ કંપનીની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 38 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ટાટા સ્ટીલના ચેરમેન એન ચંદ્રશેખરને કંપનીની એજીએમમાં આ માહિતી આપી છે. આ કર્મચારીઓ સામે હોદ્દાનો દુરુપયોગ, અંગત લાભ માટે નિર્ણયો લેવા અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
કંપનીને આ કર્મચારીઓ વિરુદ્ધ વ્હિસલ બ્લોઅર્સ તરફથી ફરિયાદો મળી હતી. આ 38 કર્મચારીઓમાંથી 35ને અનૈતિક વ્યવહાર અને ત્રણને જાતીય ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ટાટા સ્ટીલને છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં 875 ફરિયાદો મળી હતી. જેમાં 158 વ્હીસલ બ્લોઅરની હતી, 48 સુરક્ષા સંબંધિત હતી, 669 એચઆર સંબંધિત હતી અને કેટલીક ફરિયાદો આચરણ સંબંધિત હતી. એન ચંદ્રશેખરને કહ્યું કે વધુ ફરિયાદો મેળવવી એ ખોટી વાત નથી કારણ કે તે કંપનીની ઓપન કલ્ચરને દર્શાવે છે. તેમણે કહ્યું કે અહીં કર્મચારીઓને તેમની ફરિયાદ નોંધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
અગાઉ ટાટા કન્સલ્ટન્સી સર્વિસે લાંચ લઈને ભરતી કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી. TCSએ 6 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. તેમજ ભરતીમાં સામેલ છ બિઝનેસ એસોસિયેટ ફર્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન દ્વારા TCSના કર્મચારીઓ સામે લેવાયેલી કાર્યવાહી પણ એજીએમમાં શેર કરવામાં આવી હતી. શેરધારકો સાથે વાત કરતા એન ચંદ્રશેખરને કહ્યું કે છ કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા છે જેમનું વર્તન નૈતિકતા વિરુદ્ધ હતું. એન ચંદ્રશેખરને કહ્યું કે તે તમામ છ કર્મચારીઓ અને આવી છ બિઝનેસ એસોસિએટ ફર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુ ત્રણ કર્મચારીઓ સામે તપાસ ચાલુ છે.
TCS નબળાઈઓ અને ખામીઓ માટે સમગ્ર બિઝનેસ એસોસિયેટ સપ્લાય મેનેજમેન્ટ પ્રક્રિયાની સમીક્ષા કરશે. અને તે સુનિશ્ચિત કરશે કે આવી ઘટનાઓ ફરીથી ન બને. જો કે દેશના સૌથી જૂના ઉદ્યોગ ગૃહમાં એક પછી એક આવી ઘટનાઓ ચિંતાજનક છે.