ટોપ ન્યૂઝબિઝનેસ

સાણંદમાં આવેલો ફોર્ડ કંપનીનો પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ટાટા મોટર્સ ટેકઓવર કરશે

Text To Speech

બિઝનેસ ડેસ્કઃ ટાટા મોટર્સ ગુજરાતના સાણંદમાં આવેલો USની ઓટો અગ્રણી ફોર્ડ મોટર કંપનીના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ટેકઓવર કરવાની પરવાનગી મળી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ગુજરાત કેબિનેટે આ સોદાને આગળ વધારવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફોર્ડ મોટર કંપનીએ ગયા વર્ષના અંતમાં બજારની પરિસ્થિતિનું ખોટું આંકલન કરવું, પ્રોડક્ટ ડિઝાઇન વગેરે જેવા કારણો આગળ ધર્યા હતા. આ ઉપરાંત પહેલા પ્લાન્ટનો બરાબર ઉપયોગ ન કરી શક્યાં અને બીજા પ્લાન્ટમાં જંગી રોકાણ કરી નાખ્યું હતું. આવા વિવિધ કારણોસર કંપનીએ ભારત છોડવાનો નિર્ણય કર્યો છે.

સાણંદમાં કંપનીના પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટે આ વર્ષે એપ્રિલ સુધીમાં કામગીરી બંધ કરી દીધી હતી. ToI દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટે કંપનીઓના પ્રસ્તાવ પર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે. ટાટા મોટર્સ અને ફોર્ડ વચ્ચે સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની સામે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.

ફોર્ડના MD અનુરાગ મેહરોત્રા ટાટા મોટર્સમાં જોડાયા
અમેરિકન કાર મેકરને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે. ફોર્ડ ઈન્ડિયાએ ભારતમાં ગુજરાત અને તામિલનાડુના પ્લાન્ટમાં સપ્ટેમ્બર 2021થી કારનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી હતી. આ અંગે કંપનીના એ સમયના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ અનુરાગ મેહરોત્રાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે વર્ષોથી થઈ રહેલું નુકસાન અને ભારતના કાર બજારમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવને કારણે ભારતના બંને પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ 10 વર્ષમાં 2 અબજ ડોલરની ખોટ કરી છે. બાદમાં ઓક્ટોબરમાં મેહરોત્રા ટાટા મોટર્સમાં કોમર્શિયલ વ્હીકલ ડિવિઝનમાં વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે જોડાયા છે.

ટાટા ગ્રુપ બીજી વખત ફોર્ડની મદદે આવશે
આ પહેલીવાર નથી કે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ફોર્ડ ગ્રુપની મદદ માટે ટાટા ગ્રુપ આગળ આવ્યું હોય. અગાઉ 2008માં દેવળિયા બનેલી ફોર્ડ પાસેથી ટાટા ગ્રુપે 2.3 અબજ ડોલરમાં જેગુઆર-લેન્ડ રોવર બ્રાન્ડ ખરીદી તેને નાદારીથી બચાવી હતી. હવે જ્યારે ભારતમાં ફોર્ડની હાલત ખરાબ થઈ છે અને 4000થી વધુ કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ છે ત્યારે ફોર્ડની મદદ કરવા ફરી ટાટા ગ્રુપ આગળ આવ્યું છે.

ફોર્ડની ભારતીય બજારમાં હિસ્સેદારી ઘણી ઓછી
ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે, પરંતુ ફોર્ડની કારનું વેચાણ બહુ ખાસ રહ્યું નથી. વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીનું વેચાણ થયું હતું. તેની સામે વર્ષ 2020-21માં 41,875 કારનું વેચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 2%થી પણ ઓછો છે. તેની સામે ફોર્ડની સાથે જ ભારતીય બજારમાં પ્રવેશનારી હ્યુન્ડાઈનો બજાર હિસ્સો હાલમાં 18% જેટલો છે.

મહિન્દ્રા સાથેની પાર્ટનરશિપ નિષ્ફળ રહી
ફોર્ડે 2019માં ગુજરાતમાં સાણંદ સ્થિત પોતાના પ્લાન્ટને લઇને ભારતીય કાર ઉત્પાદક મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર સાથે જોડાણ કર્યું હતું. બંને કંપની મળીને કારના નવા મોડલ ડેવલપ કરવા માટે કરાર કર્યા હતા. જોકે થોડા સમય બાદ આ ટાઇઅપમાં કોઈ ડેવલપમેન્ટ થયું ન હતું અને બંને કંપનીઓ આપસી સહમતીથી અલગ થઈ હતી. કરાર મુજબ મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનવાની હતી.

Back to top button