બિઝનેસ ડેસ્કઃ ભારતનું સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રુપ 18 વર્ષ પછી ફરી એકવાર માર્કેટમાં IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. લગભગ 2 દાયકા પછી ટાટાના IPOને લઈને બજારમાં હલચલ મચી ગઈ છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા ટેક્નોલોજીસ તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. 18 વર્ષ પહેલા આવેલા TCSના IPO પછી ટાટા કંપનીનો આ પહેલો IPO હશે.
કંપનીએ કહ્યું છે કે તેના બોર્ડે ટાટા ટેક્નોલોજીસમાં IPO દ્વારા તેનો આંશિક હિસ્સો વેચવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ટાટા ટેક્નોલોજીસે વૈશ્વિક પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની છે. શેરબજારોને મોકલવામાં આવેલી માહિતીમાં ટાટા મોટર્સે જણાવ્યું હતું કે- આ IPO બજારની સ્થિતિ, નિયમનકારી મંજૂરીઓ અને SEBI તરફથી મળેલી ટિપ્પણીઓ પર નિર્ભર રહેશે.
ટાટા ટેક્નોલોજીસ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓ આપે છે
ટાટા ટેક્નોલોજી એ ટાટા મોટર્સની સબસિડિયરી કંપની છે, જે એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓ આપે છે. ટાટા ટેક્નોલોજી વિશ્વભરમાં 9,300થી વધુ લોકોને રોજગારી આપે છે. ટાટા જૂથના જણાવ્યા અનુસાર, IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ઈ-વ્હીકલ સેગમેન્ટને મજબૂત કરવા અને એવિએશન સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. ટાટા ટેક્નોલોજી ઓટો, એરોસ્પેસ, ઔદ્યોગિક ભારે મશીનરી અને અન્ય ઉદ્યોગોને સેવાઓ પૂરી પાડે છે.
IPO પર કામ શરૂ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ IPO પર કામ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ દેશી અને વિદેશી બેંકો જોડવામાં આવશે. ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજિસમાં 74 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે અને કંપનીએ 2018માં તેનો 43 ટકા હિસ્સો વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમુક મંજૂરીઓ ન મળવાને કારણે આ ડીલ અટકી ગઇ હતી.
2004માં ટાટાનો IPO આવ્યો હતો
ટાટા સમૂહની લગભગ અડધો ડઝન કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે. ટાટા સમૂહની TCSનો IPO 2004માં માર્કેટમાં આવ્યો હતો. TCSના શેર 25 ઓગસ્ટ, 2004ના રોજ 26%ના પ્રીમિયમ પર રૂ. 1,076 પર લિસ્ટ થયા હતા. જ્યારે તેની ઈશ્યુ પ્રાઈસ પ્રતિ શેર 850 રૂપિયા હતી.