રાજકોટ પહોંચેલા રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું- જૂનાં વીડિયો દેખાડી મત માગી રહ્યાં છે, ઇટાલિયાના વાયરલ વીડિયો અંગે પણ આપી પ્રતિક્રિયા
રાજકોટઃ આમઆદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ફરી એક વખત સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. ત્યારે એરપોર્ટ ખાતે કાર્યકરો દ્વારા સ્વાગત આવ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ હવે આમઆદમી પાર્ટીથી ડરી રહી છે, અને એટલે જ અમારી પાર્ટીના નેતાઓના જૂના વીડિયો કાઢી વાયરલ કરે છે. ભાજપ પાસે હવે કોઈ મુદ્દા ન હોવાના કારણે ભાજપના નેતાઓ જ જુનાં વીડિયો કાઢી લોકોને અવળે રસ્તે દોરી રહી છે અને વીડિયોના આધારે મુદ્દા બનાવી રહી છે
જૂના વીડિયો દેખાડી મત માગે છેઃ રાઘવ ચઢ્ઢા
મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલીયા વિડિયો વાયરલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાઘવે કહ્યું કે આવા જૂના વીડિયો વાયરલ કરીને ભાજપ મત માંગી રહ્યું છે. રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઇટાલિયાના વીડિયો અંગે લાગેલા ગંભીર આક્ષેપ વિશે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા પાટીદાર છે માટે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2017માં પાટીદારોએ સરકાર સામે જનઆંદોલન કર્યું હતું જેના કારણે પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જો ગોપાલ ઇટાલિયાએ આપત્તિજનક નિવેદન કર્યુ હોય તો તેને કડકમાં કડક સજા થવી જોઇએ,
વીડિયો નહીં 27 વર્ષમાં શું કર્યું તે જણાવોઃ રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે વીડિયો વાયરલ કરીને ખોટા આક્ષેપ કરવાની સાથે સાથે ભાજપે 27 વર્ષમાં કયા કામો કર્યા તેની પણ વાત કરવી જોઇએ. લોકો મોંઘવારી, બેરોજગારી, ઝેરી દારૂ, ડ્રગ્સ મુદ્દે પરેશાન છે. ભાજપ આ મુદ્દે જવાબ આપવાને બદલે જૂના વિડીયો બતાવીને મત માગે છે.