ગુજરાતમાં 5 વર્ષમાં 200 નવી મિની ITI સ્થાપવાનો ટાર્ગેટ
- સ્થાનિક ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ તાલીમબદ્ધ કરાશે
- આ મિની આઇટીઆઇ માટે 30 વર્ષના દ્વિપક્ષી કરાર થશે
- કુલ ખર્ચના 80 ટકા રકમ અથવા મહત્તમ રૂ.5 કરોડ સબસિડીરૂપે અપાશે
ગુજરાતમાં પાંચ વર્ષમાં 200 નવી મિની આઇટીઆઇ સ્થાપવાનો ટાર્ગેટ છે. રાજ્યમાં પબ્લિક-પ્રાઇવેટ- પાર્ટનરશિપના ધોરણે આવતા પાંચ વર્ષમાં 200 જેટલી મિની આઇટીઆઇ સ્થાપવાનો મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ નક્કી કરાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ માટે એપ્લિકેશન લોન્ચ કરાઈ
આ મિની આઇટીઆઇમાં સ્થાનિક ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ તાલીમબદ્ધ કરાશે
આ મિની આઇટીઆઇ જે તે ઉદ્યોગ એકમના પરિસરમાં અગર જીઆઇડીસીની વસાહતમાં ઊભા થશે. ઔદ્યોગિક એકમ કે ઉદ્યોગ એસોસિયેશન મારફતે સ્થપનારી આ મિની આઇટીઆઇમાં સ્થાનિક ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ તાલીમબદ્ધ કરાશે.
આ પણ વાંચો: તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ અમદાવામાં પોલીસ એક્શનમાં, મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ
કુલ ખર્ચના 80 ટકા રકમ અથવા મહત્તમ રૂ.5 કરોડ સબસિડીરૂપે અપાશે
રાજ્યના શ્રમ-રોજગાર વિભાગ દ્વારા આ મિની આઇટીઆઇની સ્થાપના માટે બાંધકામ યુનિટ તૈયાર કરવા કુલ ખર્ચના 80 ટકા રકમ અથવા મહત્તમ રૂ.5 કરોડ સબસિડીરૂપે અપાશે. આ ભંડોળ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાંથી વાપરવામાં આવશે. ટોચના સૂત્રો કહે છે કે, પ્રથમ તબક્કે 2023-24ના વર્ષમાં સાણંદ તથા અન્ય જીઆઇડીસી ખાતે પાંચ મિની આઇટીઆઇ ઊભી થશે, જેના માટે વિભાગના બજેટમાં રૂ.25 કરોડ ફાળવાયા છે. ત્રણ હજાર કે તેથી વધુ શ્રમિકો કામ કરતા હોય તેવી ઔદ્યોગિક વસાહતમાં આ નાની આઇટીઆઇ સર્જાશે.
નાની આઇટીઆઇને મંજૂરી આપવા રાજ્ય સ્તરે સમિતિ પણ રચી દીધી
ઔદ્યોગિક શ્રમયોગી તાલીમ કેન્દ્ર- મિની આઇટીઆઇ નિર્માણ સહાય યોજનાને નામે તરતી મૂકાયેલી આ સ્કીમમાં એક સાથે જુદા જુદા ટ્રેડમાં 250 શ્રમિકો તાલીમ લઈ શકે તેવી મિની સંસ્થા ઊભી થશે. શ્રમ-રોજગાર વિભાગે આ નાની આઇટીઆઇને મંજૂરી આપવા રાજ્ય સ્તરે સમિતિ પણ રચી દીધી છે.
આ મિની આઇટીઆઇ માટે 30 વર્ષના દ્વિપક્ષી કરાર થશે
સબસિડી ત્રણ સ્ટેજમાં કેન્દ્ર નક્કી થયેથી 25 ટકા રકમ, 25 ટકા રકમ લિન્ટલ લેવલે, 40 ટકા રકમ બાંધકામ એક વર્ષથી પૂર્ણ થયેથી અને બાકીની 10 ટકા રકમ તાલીમ કેન્દ્ર શરૂ થયેથી ચૂકવાશે. એસોસિયેશન કે ઉદ્યોગગૃહ પાસેથી પહેલાં રૂ.10 લાખની સિક્યોરિટી ડિપોઝિટ લેવાશે. તાલીમ દરમિયાન શ્રામિકોને વિભાગ દ્વારા નિયત સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આ મિની આઇટીઆઇ માટે 30 વર્ષના દ્વિપક્ષી કરાર થશે.