ગઢચિરોલીમાં નક્સલવાદીઓનું ટાર્ગેટ કિલિંગ, 15 દિવસમાં 3 લોકોની હત્યા
- ગઢચિરોલી જિલ્લામાં હત્યા કર્યા બાદ નક્સલવાદીઓ મૃતદેહ પાસે ચીઠ્ઠી છોડી રહ્યા છે.
- જેના પર લખ્યું છે કે જનતાની સાથે રહો, સુધરી જાઓ, નહીં તો જનતા માફ નહીં કરે.
મુંબઈ, 29 નવેમ્બર: મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ ટાર્ગેટ કિલિંગ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ આદિવાસીઓ પોલીસના બાતમીદારો હોવાના આરોપમાં માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણેય વ્યક્તિઓ મંત્રીના નજીકના હોવાનું કહેવાય છે. સરકારે જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાનને વધુ તેજ બનાવવાનો દાવો કર્યો છે. ગઢચિરોલી જિલ્લામાં હત્યા કર્યા બાદ નક્સલવાદીઓ મૃતદેહ પાસે ચીઠ્ઠી છોડી રહ્યા છે. જેના પર લખ્યું છે કે, જનતાની સાથે રહો, સુધરી જાઓ, નહીં તો જનતા માફ નહીં કરે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદીના સભ્યો હોવાનો દાવો કરતા નક્સલવાદીઓએ છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધીમાં ત્રણ આદિવાસીઓની હત્યા કરી છે.
છેલ્લા 15 દિવસમાં ત્રણ હત્યા
આ પહેલા 15 નવેમ્બરના રોજ ભામરાગઢ તાલુકાના પેનગુંડામાં દિનેશ ગાવડેની હત્યા કરવામાં આવી હતી. જે બાદ 23 નવેમ્બરે એટાપલ્લી તાલુકાના ટીટોલાના પોલીસ પાટીલ લાલસુ વેલદાની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ 24 નવેમ્બરે આહેરી તાલુકાના કપેવંચાના રામજી આત્રામની હત્યા કરવામાં આવી હતી.
સરકારે નક્સલવાદને ખતમ કરવાની જાહેરાત કરી
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, સરકાર નક્સલવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમની વિરુદ્ધ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધર્મરાવ બાબા આત્રામે કહ્યું છે કે, જે પોલીસ પાટીલની હત્યા કરવામાં આવી તે પણ મારો માણસ હતો, ગાવડે પણ મારો માણસ હતો, જે આત્રામ હતો તે પણ મારો માણસ હતો. ગૃહ વિભાગે આ તરફ ધ્યાન આપવું જોઈએ અને લોકોને સુરક્ષા આપવી જોઈએ. સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. હું સરકારમાં છું એટલે મને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ સરકારની છે.
પોલીસે શું કહ્યું?
પોલીસ અધિકારીઓ આ બાબતે કેમેરા પર બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ તેમનો દાવો છે કે તોડાઘટ્ટામાં ખનન વિરોધી આંદોલન નિષ્ફળ જવાને કારણે નક્સલવાદીઓ નિરાશ થઈ ગયા છે. નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવા માટે વિશેષ C 60 કમાન્ડો યુનિટની સ્થાપના કરનાર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજી કેપી રઘુવંશીના જણાવ્યા અનુસાર, જ્યારે પણ નક્સલવાદીઓ નબળા પડે છે, ત્યારે તેઓ આ રીતે લોકોની હત્યા કરીને સામાન્ય લોકોમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો, અમદાવાદના લોકો માટે કમોસમી વરસાદ આશીર્વાદ સમાન, જાણો કેમ