તારંગાથી આબુ રેલ્વે : ગાંધીનગરની જેમ અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર હશે 100 રૂમની બજેટ હોટલ
પાલનપુર: પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલ્વે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. તેના ભાગરૂપે વડાપ્રધાનના વડપણ હેઠળ 13 જુલાઈએ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલ્વે લાઇનને મંજૂરી આપવામા આવી છે. રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલ્વે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ રેલ્વે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચન અનુસાર 18 જુલાઈ 2022ના રોજ એ રેલ્વેના જીએમ અને ડીઆરએમ અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના સચિવએ ચીફ સેક્રેટરી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે મુલાકાત કરી હતી. આ પ્રોજેક્ટને આગળ લઇ જવા અંગેની વ્યૂહાત્મક બાબતો વિશે તેમાં અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેરેલ્વે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામા આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામા આવશે.
આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામા આવ્યું છે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિમીની રેલ્વે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામા આવશે જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલ્વે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે.
ગુજરાતમાં 11, રાજસ્થાનમાં 4 સ્ટેશન
આ રેલ્વે લાઇન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે. રેલ્વે દ્વારા તેના માટે 15 સ્ટેશન સૂચિત કરવામા આવ્યા છે. જેમાં વરેઠા (વર્તમાનમાં ચાલુ), ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ (હોલ્ટ), મહુડી (હોલ્ટ), દલપુરા, રૂપપુરા (હોલ્ટ), હડદ, આંબા મહુડા (હોલ્ટ), પેટા છપરા (હોલ્ટ), અંબાજી, પારલી છપરી (હોલ્ટ), સિયાવા (હોલ્ટ), કુઈ અને આબુ રોડનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં 11 અને રાજસ્થાનમાં 4 રેલ્વે સ્ટેશન સમાવિષ્ટ થશે.
શકિતપીઠની થીમ પર દિવ્યાંગ ફ્રેન્ડલી રેલવે સ્ટેશન
અંબાજી શક્તિપીઠની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત આ રેલ્વે સ્ટેશનની ડિઝાઇન કરવામા આવશે. સ્થાનિક માલસામાનની ઉપલબ્ધિથી આ રેલ્વે સ્ટેશનને ગ્રાઉન્ડફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે વિકસિત કરવામા આવશે. યાત્રાળુઓની સુવિધાઓ માટે ઉપર પાંચ માળ સુધી 100 રૂમની બજેટ હોટલનું નિર્માણ કરવામા આવશે. પાર્કિંગ માટે પૂરતી સુવિધાઓ હશે તેમજ સ્ટેશનનું આર્કિટેક્ટર યાત્રાળુઓ માટે નયનરમ્ય બનાવવામા આવશે. તારંગા હિલ્સ રેલ્વે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામા આવશે.
ગુજરાતમાં 33 મેજર બ્રિજ બનશે, 409 હેક્ટર જમીનનો ઉપયોગ
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ 409.480 હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામા આવશે. તેમાં કુલ 33 મેજર બ્રિજ નિર્માણ કરવામા આવશે જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં 8, બનાસકાંઠાના દાંતામાં 17 અને સાબરકાંઠાના પોશીનામાં 8 બ્રિજ બનાવવામા આવશે. જેમાં રોડ ઓવર બ્રિજની વાત કરીએ તો મહેસાણાના ખેરાળુ અને સતલાસણામાં 2-2, તેમજ દાંતા અને પોશીનામાં 1-1 બ્રિજ નિર્માણ થશે. કુલ 47 રોડ અન્ડર બ્રિજનું નિર્માણ થશે જેમાં સતલાસણામાં 13, દાંતામાં 28 અને પોશીનામાં 6 બ્રિજનું નિર્માણ કરવામા આવશે.
રેલ્વે રૂટથી વિકાસ
તારંગા-આબુરોડ રેલ્વે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલ્વે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલ્વે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.