તાપીના મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી, લોકાર્પણ પહેલા જ પુલ તૂટી પડતા ભ્રષ્ટાચારનો આક્ષેપ


ચોમાસા પહેલા જ પુલ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ બિહારમાં ગંગા નદી પર ભાગલપુર માં અગુવાની-સુલતાનગંજ વચ્ચે આશરે 1700 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણાધીન થઇ રહેલા બ્રીજનો 100 ફૂટ જેટલો ભાગ ધરાશાયી થયો હતો. ત્યારે આજે વધુ એક પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ તાપીના મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી થયો છે.
મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી
મળતી માહિતી મુજબ તાપીના મીંઢોળા નદી પરનો પુલ તૂટી પડ્યો છે. આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. ત્યારે આ પુલ ધરાશાયી થતા 15 જેટલા ગામોને અસર થઇ છે.
વર્ષ 2021માં આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરુ થયું હતુ કામ
મહત્વનું છે કે તાપી જિલ્લામાં વર્ષ 2021માં મીંઢોળા નદી પરના પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ. ત્યારે આ પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડતા પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.
કોન્ટ્રાક્ટરે સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
પુલ તૂટી પડતા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યા છે કે પુલ બનાવવામાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામા આવ્યું છે. ત્યારે આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : CYCLONE BIPARJOY : છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં ધોધમાર વરસાદ, ખંભાળિયામાં સૌથી વધુ