CM ભૂપેન્દ્ર પટેલે માણ્યો આદિવાસી ભોજનનો સ્વાદ કહ્યું- “પેટ ભરાયું પણ મન ન ભરાયું”
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી જમણનો સ્વાદ માણ્યો હતો.
મુખ્યમંત્રીએ તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી જમણનો સ્વાદ માણ્યો
‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનના શુભારંભ અવસરે તાપી જિલ્લાની મુલાકાત દરમ્યાન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે મુલાકાત કરી હતી અને તેમના ઘરે શ્રીઅન્નથી બનેલું ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ PMAYના લાભાર્થી અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી આવાસ તેમજ સુવિધાઓને લગતી વિગતો પણ મેળવી હતી.
‘વિશ્વ આદિવાસી દિવસ’ ની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી જિલ્લાના ગુણસદા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. અને તેઓએ મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિવાસી વિસ્તારો માટે અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ, આટલા કરોડ વધારાના ફાળવાશે
પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થીના ઘરે ભોજન લીધું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા. અને સોનલ બહેનના ઘરે જમીન પર બેસીને તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી ભોજનનો આ સ્વાદ માણ્યો હતો.સોનલ બહેને મુખ્યમંત્રી માટે આદિજાતિ ભોજન મીલેટ્સ (જાડા ધાન)ની પરંપરાગત વાનગીઓ પિરસી હતી.
મુખ્યમંત્રીએ વિવિધ વાનગીઓનો સ્વાદ માણી અહોભાવ વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ આગવી સહજતા સાથે મિલેટ્સની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી અહોભાવ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે “ભોજન એટલુ સ્વાદિષ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. આવા જમણ માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવું પડશે.
ભોજનમાં આ વાનગીઓ પીરસવામા આવી
મુખ્યમંત્રીએ આ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.
આ પણ વાંચો : આણંદ કલેક્ટર IAS ડી.એસ ગઢવીને તાત્કાલિક કેમ સસ્પેન્ડ કરાયા ?