તમિલનાડુ: ચંદ્રયાન-3 મોડેલની 18 ફૂટ ઊંચી કેક બનાવી
ચેન્નઈ (તમિલનાડુ), 26 ડિસેમ્બર: નાતાલની ઉજવણીના ભાગરૂપે હંમેશા કેક કાપવામાં આવે છે, ત્યારે કેક બનાવતી એક દુકાને ગ્રાહકોને આકર્ષવા માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો. તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લામાં એક કેક શોપની બહાર ભારતના સફળ ચંદ્ર મિશન, ચંદ્રયાન-3 મોડલની 18 ફૂટની વિશાળ કેક એક ડિસપ્લેમાં મૂકવામાં આવી હતી. જેણે આવતા-જતાં તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જ્યારે સ્થાનિકોને ખબર પડી કે, વિસ્તારમાં શોપની બહાર ચંદ્રયાન-3 મોડલની કેક મૂકવામાં આવી છે તે તેઓ ખાસ કરીને ફોટો લેવા દુકાનમાં આવી પહોંચ્યા હતા.
કલાકોની મહેનત બાદ 18 ફૂટ ઊંચી કેક બની
આ કેક માયલાદુથુરાઈમાં આવેલી જેનિફર સ્વીટ્સ એન્ડ બેકરી શોપમાં બનાવવામાં આવી હતી. દુકાનના માલિકે જણાવ્યું કે, તેઓ દરેક તહેવારમાં કંઈક ને કંઈ અલગ કરવાનો પ્રયત્ન કરે છે. આ વખતે ક્રિસમસમાં દેશને ગૌરવ અપાવનાર ચંદ્રયાન-3 મોડેલ પર કેક બનાવવાનું વિચાર્યું. ત્યારબાદ તેમની ટીમે કલાકોની મહેનત બાદ ચંદ્રયાન-3ની આકૃતિ પર કેક બનાવી. જો કે, તેમની આ મહેનત રંગ લાવી. આ કેકની બનાવટને જોવા માટે સ્થાનિકો પહોંચી ગયા હતા અને કેકની સાથે ફોટો અને સેલ્ફી લીધી હતી.
જો કે, આટલી ઊંચી કેકને જોઈને લોકોને ચોક્કસથી નવાઈ લાગી હતી. મહત્ત્વનું છે કે, આ વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3ની સફળતા સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનાર પ્રથમ દેશ ચંદ્ર પર ઉતરાણ હાંસલ કરનાર એકંદરે ચોથો દેશ બન્યો.
આ પણ વાંચો: અનન્યા, કિયારા અને પરિણીતીએ શેર કરી ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક!