2,000 કરોડના ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં તમિલ ફિલ્મ નિર્માતાની ધરપકડ
ચેન્નઈ (તમિલનાડુ), 09 માર્ચ: NCBએ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરની તપાસના સંબંધમાં તમિલનાડુ સ્થિત કથિત માદક દ્રવ્યોના વેપારી જાફર સાદિકની ધરપકડ કરી છે. 2,000 કરોડના ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા રેકેટમાં લાંબી શોધખોળ બાદ જાફર ઝડપાયો છે. તામિલ ફિલ્મ નિર્માતા સાદિકને તાજેતરમાં શાસક ડીએમકે દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તે DMKની NRI વિંગના ચેન્નઈ પશ્ચિમ ડેપ્યુટી ઓર્ગેનાઈઝર હતો.
ઘણા દેશોમાં ફેલાયેલા છે ડ્રગ્સ તસ્કરીના તાર
ફિલ્મ નિર્માતા જાફર સાદિકની 4 મહિનાની લાંબી શોધખોળ બાદ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ શ્રીલંકામાં દાણચોરી કરીને ભારત લાવવામાં આવેલા 180 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યાના એક સપ્તાહ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાદિક એક કાર્ટેલ ચલાવતો હતો જે ભારતમાંથી ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સ્યુડોફેડ્રિન મોકલતો હતો. આ કેસમાં બે અઠવાડિયા પહેલા દિલ્હીના એક વેરહાઉસમાંથી તમિલનાડુના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 50 કિલો માદક દ્રવ્યોનું ઉત્પાદન કરતું કેમિકલ સ્યુડોફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું.
આ કેસમાં અન્ય સાગિરતોની શોધખોળ ચાલુ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, NCB ત્યારથી સાદિકની શોધ કરી રહી હતી અને તમિલનાડુમાં તેની સાથે જોડાયેલી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાદિકે સાઉથ સિનેમામાં 5 ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
આ પણ વાંચો: ફિલ્મોમાંથી કમાણી ન થતાં નિર્માતા બન્યો ડ્રગ્સ સ્મગલર, 3 વર્ષમાં 2000 કરોડની હેરાફેરી