વાતો શિવાજી મહારાજની અને કામ ઔરંગઝેબ જેવાં! એકનાથ શિંદેએ કોના માટે આવું કહ્યું?
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2024: મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાનો મામલો વધુને વધુ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ઠાકરે-પવારનું વિપક્ષી ગઠબંધન આજે રવિવારે મુંબઈમાં સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યું છે તો બીજી તરફ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ઠાકરે સેના ઉપર અત્યંત આકરો પ્રહાર કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા એકનાથ શિંદેએ 26 ઓગસ્ટના રોજ સિંધુદુર્ગના માલવણ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવા પર રાજકારણ રમવા બદલ વિપક્ષની ટીકા પણ કરી હતી.
મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પાડવાથી શરૂ થયેલો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે. હવે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આ મામલે રાજનીતિ કરવા બદલ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. એકનાથ શિંદેએ વિપક્ષના નેતા અને રાજ્યના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પર ઔરંગઝેબ અને અફઝલ ખાનને અનુસરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાજનીતિ કરી રહ્યા છે.
આજે અહીં પત્રકારો સાથે વાત કરતી વખતે એકનાથ શિંદેએ 26 ઓગસ્ટે સિંધુદુર્ગના માલવણ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તૂટી પાડવા પર રાજકારણ રમવા બદલ વિપક્ષની ટીકા પણ કરી હતી. શિંદેએ કહ્યું કે ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને તેમણે પોતે આ ઘટના માટે માફી માગી છે છતાં વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે તમે (ઉદ્ધવ ઠાકરે) છત્રપતિ શિવાજી મહારાજનું નામ લો છો, પરંતુ કામ ઔરંગઝેબી અને અફઝલખાનીનું જેવું કરો છો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને બે જેસીબીથી તોડી પાડવામાં આવી હતી, પરંતુ કોઈએ તેના પર કોઈ નિવેદન આપ્યું નથી.
એકનાથ શિંદેએ ઉદ્ધવ પર વધુ પ્રહાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ તેમને બે વર્ષ પહેલા તેમનું સ્થાન બતાવ્યું હતું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની જનતા વિપક્ષને પાઠ ભણાવશે. સીએમએ કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકારમાં મહિલાઓ સુરક્ષિત નહોતી. તેમણે નવનીત રાણાની ધરપકડ અને કંગના રનૌતના મુંબઈ સ્ટુડિયોમાં તોડફોડનું ઉદાહરણ પણ આપ્યું હતું. શિંદેએ કહ્યું કે વિપક્ષને આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે કારણ કે મુખ્યમંત્રી લાડકી બહેન યોજના શહેરો તેમજ ગામડાઓમાં લાભાર્થીઓ સુધી પહોંચી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદ અને પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધું આ પગલું, જાણો