

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને હવે ગાર્ડન્સમાં પુરુષો અને સ્ત્રીઓના પ્રવેશને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. જેને લઈને લગભગ 500 વર્ષ જૂના બાગ-એ-બાબરના ટિકિટ કાઉન્ટર પર ઘણીવાર અરાજકતાનો માહોલ જોવા મળે છે. ટિકિટ ખરીદવા આવેલા એક માણસને હમણાં જ ખબર પડી કે પુરુષો અને સ્ત્રીઓને અલગ-અલગ ગેટથી બગીચામાં પ્રવેશ કરવો પડે છે.
આ વ્યક્તિ ટિકિટ વેચનારને કેટલાક પ્રશ્નો અને જવાબો પૂછે છે અને આ નિયમોને બકવાસ કહે છે. આ પછી તેના પરિવારના સભ્યો અલગ-અલગ દરવાજાથી પાર્કમાં પ્રવેશ કરે છે. સ્ત્રીઓ જમણી તરફ અને પુરુષો ડાબા દરવાજાથી બગીચામાં પ્રવેશ કરે છે. પહેલાંની જેમ તેઓ એક જ પરિવારના સભ્યો હોવા છતાં એકસાથે જવાની મંજૂરી નથી.
નિરાશ થઈને મુલાકાતીઓ પાછા ફરે છે
દેશમાં હજુ પણ એવા ઘણાં લોકો છે જેઓ આ નિયમોથી વાકેફ નથી. આવી સ્થિતિમાં પરિવાર સાથે લોકો પાર્કની મુલાકાતે આવે છે, ત્યારે નિરાશ થવું પડે છે. પરિવારના સભ્યોના અલગ થવાની વાત સાંભળીને ઘણા લોકો પોતાના પ્લાન કેન્સલ કરી દે છે. શુક્રવારે પણ બાગ-એ-બાબરની બહાર આવો નજારો જોવા મળ્યો હતો. ઘરની મહિલાઓ અને બાળકો સાથે મુલાકાતે આવેલ એક પરિવાર પરત ફર્યો હતો.
પાર્ક આવનારા લોકોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો
ઘણા લોકો આ પ્રતિબંધોથી નારાજ થયા છે. તે કહે છે કે તે અહીં એકલા નહીં પણ પરિવાર સાથે મુલાકાત કરવા આવ્યો હતો. પાર્કમાં કામ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે શુક્રવારે શહેરના જુદા-જુદા પાર્કમાં ઘણી ભીડ રહેતી હતી, પરંતુ હવે આવો નજારો જોવા મળી રહ્યો નથી. પરિણામે તેમની આવકમાં પણ ઘટાડો થયો છે.