ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિક્ષકની તાલિબાની સજા, યુવકને કારના બોનેટ પર 10KM સુધી ફેરવ્યો

  • યુવકે કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો
  • આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પંજાબના સુલતાનપુર લોધીમાં એક ખૂબ જ ભયાનક ઘટના ઘટી છે.અહીં એક શિક્ષકે યુવકને પોતાની કારથી ટક્કર મારી હતી. આ પછી તેણે યુવકને કારના બોનેટ પર લટકાવી દીધો અને તેને લગભગ 10 કિલોમીટર સુધી ફેરવ્યો હતો. પીડિતે જણાવ્યું કે તે સુલતાનપુર લોધીની એક ખાનગી એકેડમીમાં IELTSનો અભ્યાસ કરે છે. તે શાલાપુર બેટ ગામના વળાંક પર ઉભો હતો ત્યારે એક ઝડપી કારે તેને ટક્કર મારી હતી. તે કારમાં શિક્ષક બલજિંદર સિંહ મુસાફરી કરી રહ્યા હતા. તે મારા ગામના રહેવાસી છે. તેઓએ પહેલા મને કારથી ટક્કર મારી અને પછી મને બોનેટ પર બાંધી દીધો અને આ વિસ્તારની આસપાસ લગભગ 10 કિલોમીટર સુધી ફેરવ્યો હતો.

મારવાના ઇરાદે હુમલો

પીડિત યુવકે કહ્યું કે શિક્ષકે તેને મારી નાખવાના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો. તે તેને કારના બોનેટ પર શાલાપુર ગામથી સુલતાનપુર લોધી, મંડી રોડ, ઉધમ સિંહ ચોક અને કપૂરથલા રોડ પર લગભગ એક કલાક સુધી ફેરવતો રહ્યો. જે બાદ આગળથી એક વાહન આવતાં તેણે દાદવિંડી પાસે વાહનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

જૂની અદાવતના કારણે બનેલી ભયાનક ઘટના

ઘટનાના સમાચાર મળ્યા બાદ પીડિતને તેના કાકા સુરજીત સિંહના સરકારી આરોગ્ય કેન્દ્ર ટિબ્બામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બલજિંદર સિંહ વિરુદ્ધ પહેલાથી જ ઘણા કેસ નોંધાયેલા છે. યુવકના પરિવાર સાથે પણ તેનો જુનો વિવાદ ચાલી રહ્યો છે. જો કે હજુ સુધી પોલીસ આરોપી શિક્ષકને પકડી શકી નથી.

પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે

પીડિતનો આરોપ છે કે બલજિંદરે તેને મારવા માટે આ કર્યું છે. જો આરોપી બલજિંદરની ધરપકડ નહીં થાય તો તે લડત આપશે. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને જલ્દી પકડવાની ખાતરી આપી છે. સબ ઈન્સ્પેક્ટર જસપાલ સિંહે કહ્યું કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.તેમણે કહ્યું કે સીસીટીવી કેમેરાનો વીડિયો પણ ચેક કરવામાં આવી રહ્યો છે. પીડિતના નિવેદનના આધારે જ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બીજા પક્ષનું શું કહેવું છે?

જ્યારે બીજા પક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે બલજિંદરની સિવિલ હોસ્પિટલમાં કપૂરથલામાં સારવાર ચાલી રહી છે. બાદમાં તેમના સંબંધી જસબીર સિંહે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે બલજિંદર સિંહ પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા. તેણે કહ્યું કે બલજિંદર સિંહ તેની પત્ની પ્રવીણ કૌર સાથે રજાની અરજી કરવા માટે તેની સ્કૂલ જઈ રહ્યા હતા કારણ કે બલજિંદર સિંહ લાંબા સમયથી બીમાર હતા. જ્યારે તે તેમની પત્ની સાથે સ્કૂલની બહાર પહોંચ્યા ત્યારે તેમની પત્ની રજા વધારવા માટે અરજી કરવા અંદર ગઈ અને બલજિંદર સિંહ તેની કારમાં હતા.

શાળાની બહાર પીડિત હોવાનો દાવો કરનાર વ્યક્તિ અને તેની સાથેના લગભગ 15 યુવાનોએ બલજિંદર સિંહ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. તેમની કારનો કાચ તોડી નાખ્યો. પોતાને બચાવવા માટે બલજિંદર ગાડી લઈને ભાગ્યા હતા.પરંતુ તે જાણી જોઈને બોનેટ પર સૂઈ ગયો હતો. બલજિન્દર સિંહને ઈજાના કારણે કપૂરથલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. યુવકે અગાઉ પણ બલજિંદર સિંહ પર ખોટો કેસ દાખલ કર્યો હતો. તેમણે પોલીસ પાસે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો, સારસા પાટિયાથી પસાર થતી ખારીકટ નદીમાં કેમિકલયુક્ત પાણીથી લોકો પરેશાન

Back to top button