બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓની તાલિબાની ક્રૂરતા, હોટલ પર હુમલો કરી 8 લોકોને જીવતા સળગાવી દીધા, અનેક ઘાયલ
ઢાકા, 06 ઓગસ્ટ : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ પ્રદર્શનકારીઓની તાલિબાની કાર્યવાહી સામે આવી છે. અહીં જેસોરમાં ગઈકાલે સોમવારે એક હોટલમાં આગ લગાડી દીધી હતી, જેમાં ઓછામાં ઓછા 8 લોકો જીવતા સળગી ગયા હતા જયારે 84 લોકો ઘાયલ થયા હતા.
ઘાયલોમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ
ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે ઘટનાની પુષ્ટિ કરી છે. મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. હોસ્પિટલના કર્મચારી હારુન રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. શહેરમાં વિવિધ સ્થળોએ હજારો લોકો વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલને આગ લગાડી હતી. દરમિયાન, બદમાશોએ જીલ્લા અવામી લીગની ઓફિસ અને શારશા અને બેનાપોલ વિસ્તારમાં વધુ ત્રણ અવામી લીગ નેતાઓના ઘરો પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : યુપીમાં ચોંકાવનારી ઘટના, પોલીસે જ કારમાં બંદૂક રાખી નિર્દોષ વ્યક્તિને જેલમાં ધકેલ્યો, ઘટના CCTVમાં કેદ
અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા
બાંગ્લાદેશમાં આગચંપી અને હિંસાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે સોમવારે સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. જો કે, મૃત્યુઆંક 300 છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. AFPએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રવિવારે બાંગ્લાદેશમાં હિંસા થઈ હતી. જેમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 પર પહોંચ્યો છે.
100 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ
અધિકારીઓએ આ હિંસામાં 100 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. જો કે, એએફપીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 હતો. રવિવારે થયેલી ભીષણ હિંસામાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : અવિનાશ સાબલેએ 3000 મી. સ્ટીપલચેઝમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકમાં આવું કરનાર પ્રથમ ભારતીય