ટોપ ન્યૂઝવર્લ્ડ

UNના રિપોર્ટ પર ગુસ્સે ભરાયું તાલિબાન, કહ્યું – આંતરિક મામલામાં કોઈએ હસ્તક્ષેપ ન કરવો

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તાલિબાનના સુપ્રીમ લીડર હેબતુલ્લાહ અખુન્દઝાદાએ બુધવારે કહ્યું હતું કે, અફઘાન જમીનનો ઉપયોગ કોઈપણ દેશ પર હુમલા માટે થવા દેવામાં આવશે નહીં. સંદેશમાં તાલિબાન ચીફે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનના આંતરિક મામલામાં કોઈપણ દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, યુએનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અફઘાનિસ્તાનની ધરતી પર હજારો વિદેશી લડવૈયાઓ રહે છે. તેમાં અલ-કાયદા અને પાકિસ્તાન સ્થિત લશ્કર અને જૈશના આતંકવાદીઓ પણ છે.

યુએનના આ રિપોર્ટ અંગે અખુંદઝાદાએ કહ્યું કે, તેઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ થવા દેશે નહીં. પોતાના સંદેશમાં તેમણે કહ્યું, ‘હું મારા પડોશીઓ, ક્ષેત્ર અને વિશ્વને ખાતરી આપું છું કે અહીંથી કોઈપણ દેશની સુરક્ષાને ખતરો નહીં આવે. અમે અન્ય દેશોને પણ અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, અમે સમગ્ર વિશ્વ સાથે સારા વ્યૂહાત્મક, રાજકીય અને આર્થિક સંબંધો ઈચ્છીએ છીએ. જેમાં અમેરિકા પણ સામેલ છે. અમને લાગે છે કે આમાં તમામ પક્ષોનું હિત છુપાયેલું છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાની રાજદ્વારી હાજરી નોંધાવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો ત્યારે ઘણા દેશોએ અહીંથી પોતાના રાજદૂતોને પાછા ખેંચી લીધા હતા અને દૂતાવાસને તાળા મારી દીધા હતા.

કાબુલમાં તેની ટેકનિકલ ટીમને ફરીથી જોડતા પહેલાં ભારતના એક પ્રતિનિધિમંડળે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. તાલિબાને ભારતને વચન આપ્યું હતું કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હજુ સુધી તાલિબાને કોઈપણ આતંકવાદી સંગઠન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. અખુંદઝાદાએ અફઘાનિસ્તાનમાં શિક્ષણને લગતા વચનો પણ આપ્યા હતા.

આ પણ વાંચોઃ

9 બાળકોનો પિતા એલન મસ્ક, જાણો જુડવા બાળકોને જન્મ આપનારી શિવોન જીલીસ વિશે

મુશ્કેલીમાં મુકાયા બ્રિટિશ પીએમ બોરિસ જોનસન, 39 મંત્રીઓએ એકઝાટકે આપ્યા રાજીનામાં

Back to top button