મધ્યપ્રદેશઃ ગેરકાયદે ખનન રોકવા ગયેલા તલાટી ઉપર માફિયાઓએ ટ્રેક્ટર ચડાવી દીધું
- ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરવામાં આવી છે
- હજુ સુધી આ કેસમાં રેતી માફિયાઓના નામ સામે આવ્યા નથી
મધ્યપ્રદેશ, 26 નવેમ્બર: મધ્યપ્રદેશના શહડોલમાં રેતી માફિયાઓએ એક તલાટીને ટ્રેક્ટર વડે કચડીને હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. તલાટી તેમની ટીમ સાથે ગેરકાયદે રેતી ખનન રોકવા ગયા હતા. આ દરમિયાન ડ્રાઈવરે તલાટી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતું જેમાં તેમનું મૃત્યું થયું હતું.
વાસ્તવમાં આ ઘટના ગઈકાલે મોડી રાત્રે લગભગ 11 વાગ્યાની હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તલાટી પ્રસન્ના સિંહ તેમના અન્ય ત્રણ સાથીઓ સાથે દેવલોંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલપુર સ્થિત સોન નદીમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા ગયા હતા. આ દરમિયાન તેઓએ એક ટ્રેક્ટર પણ પકડી લીધું હતું. તલાટીએ ટ્રેક્ટરને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતાં ચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા માટે તલાટી સામે આવી જતા તેણે તલાટી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું. જેના કારણે તલાટીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃ્ત્યું નિપજ્યું હતું.
દેવલોંદ પોલીસે આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મોડી રાત્રે એડીજીપી ડીસી સાગરે આરોપી વિરૂધ્ધ 30 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીના કબજામાંથી ટ્રેક્ટર પણ કબજે કર્યું છે. આરોપી વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પૂછપરછ બાદ ઘણા પ્રખ્યાત અને પ્રભાવશાળી લોકોના નામ સામે આવી શકે છે. કલેક્ટર વંદના વૈદ્ય કહે છે કે જિલ્લામાં ગેરકાયદે ખનન સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઘટનાના એ જ દિવસે તંત્ર દ્વારા દેવલોંદ પોલીસ સ્ટેશન વિસ્તારના બુધવા, સાથણી અને બારહાઈમાં રેતીના ગેરકાયદેસર સંગ્રહ સામે કાર્યવાહી કરતી વખતે 17 હાઈવા રેતી જપ્ત કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી બાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ તલાટીની કરૂણ હત્યા કરવામાં આવી હતી. જેના કારણે આ હત્યા રેતી માફિયાઓના ઈશારે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શાહડોલમાં જૂન માસ બાદ વંશિકા કંપનીના રેતીના ટેન્ડરનો અંત આવ્યો હતો. ત્યારબાદ રેતી માફિયાઓ સક્રિય થયા છે. જિલ્લામાંથી પસાર થતી સોન નદીમાં રેતીનો મોટો ભંડાર છે. જેના પર રેતી માફિયાઓની બાજ નજર છે. બાટલી ઘાટ, જરવાહી ઘાટ, નરવર ઘાટ, પોંડી, બલહૌદ રેતીની ખાણ, દેવલોંડનો સોન ઘરિયાલ, ઝિયારિયા ઘાટ, ગોપાલપુર, બુધવા અને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન અને રેતીનો વેપાર ચાલી રહ્યો છે.
આ પણ વાંચો, પાટણના સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ, રાજ્યમાંથી હજારો લોકો ઉમટ્યા