તાલાલામાં સામાન્ય બાબતે ખૂની ખેલ, દુકાનેથી પૂછ્યા વિના બીડી લેતા યુવાનનું ઢીમ ઢાળી દીધું
તાલાલાના નરસિંહ ટેકરી વિસ્તારમાં પાનના ગલ્લા પર પૂછ્યા વગર બીડી લેતા યુવાનને માર મારવામાં આવ્યો હતો.જેના કારણે યુવાનનું મોત નિપજ્યું છે. દુકાનદારે માર મારતાં 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આ મામલામાં પોલીસે આરોપી દુકાનદાર બાબુ ભુપત ડાભીની અટકાયત કરી છે. સામાન્ય બાબતમાં યુવાનની હત્યાના બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
દુકાનેથી પૂછ્યા વગર બીડી લેનાર યુવાનની હત્યા
પ્રાપ્ત વિગતો મુજબતાલાલાનાં નરસિંહ ટેકરી વિસ્તારમાં કડવા પાટીદાર સમાજ પાછળ રહેતા કલર કામની છૂટક મજૂરી કામ કરતા રાહુલગીરી ઉલ્લાસગીરી અપારનાથી (ઉ.વ.25)એ આ વિસ્તારમાં આવેલ ગણેશ પાન નામની દુકાનમાંથી પૂછયા વગર બે બીડી લીધી હતી. આ બાબતે ઉશ્કેરાયેલ પાનના ગલ્લા વાળા બાબુ ભુપત ડાભીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને યુવાનને ઢીકાપાટુનો માર મારતાં યુવાન ત્યાંજ ઢડી પડયો હતો.જેમાં યુવાનનેશરીરના અંદરના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ત્યારે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ ઘટના અંગે પોલીસે મૃતકના ભાઈ કૌશિકગીરીની ફરિયાદ લઈ પાનના ગલ્લાવાળા બાબુ ભુપત ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અને તેની ધરપકડ કરવા પી.એસ.આઇ. આકાશસિંહ સિંધવ તથા ટાઉન જમાદાર યાસીનભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, 30 વારસદારો સામે ફરિયાદ, જાણો સમગ્ર મામલો