ગુજરાતદક્ષિણ ગુજરાત

પ્રફુલભાઈ પાનશેરિયાથી પ્રેરણા લઈ આ મંત્રીએ શરુ કરી સ્વચ્છતા માટે અનોખી પહેલ, 938 પ્રાથમિક શાળાઓ જાડાશે

રાજ્યની સરકારી શાળાઓમાં સ્વચ્છતા બાબતે થતી બેદરકારીને કારણે શાળએ આવતા બાળકોને રોગચાળો ફાટી નિકળવાનો ભય રહેતો હોય છે. શાળાઓમાં સ્વચ્છતા રાખવા માટે આગ્રહ કરવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાએ તેનું પાલન થતુ નથી. ત્યારે વિદ્યાના સંદિર સમાન શાળાઓમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવા માટે તાજેતરમાં જ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સરકારી શાળાઓમાં મુલાકાત દરમિયાન ગંદકી દેખાતા જાતે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો ત્યારે આજે વધુ એક મંત્રીએ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વચ્છતા પ્રત્યેનો ઉમદા અભિગમથી પ્રેરણા લઈને તમામ પ્રાથમિક શાળાઓમાં દૈનિક સ્વચ્છતા માટે અનોખી પહેલ કરી હતી.

દિપકભાઈ દરજીએ સ્વચ્છતાનો આપ્યો સંદેશ

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના આ સ્વચ્છતાના ઉમદા કાર્યમાંથી પ્રેરણા લઈને સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી દિપકભાઈ દરજીએ સુરત જિલ્લાની 938 પ્રાથમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને શાળાની સાફ-સફાઈ જાતે કરવાનો અનુરોધ કર્યો હતો, શાળાઓએ આ પહેલને આવકારી પોતપોતાની શાળાના બાથરૂમ અને શૌચાલયની પ્રતિદિન સફાઈ કામગીરી જાતે આરંભી દીધી છે, આ અભિયાનમાં શ્રમદાન માટે વાલીઓ પણ જોડાઈ રહ્યા છે. દિપકભાઈ દરજીએ શાળાઓને નિયમિત સાફ-સફાઈ માટે પ્રેરિત કરતા તમામ શાળાઓ હવેથી જાતે શાળાનું પ્રાંગણ, શૌચાલયને સ્વચ્છ અને સુઘડ રાખશે તેવો સંકલ્પ લીધો હતો.

સુરત શાળા સફાઈ-humdekhengenews

સુરતની 938 પ્રાથમિક શાળાઓ જોડાશે આ સ્વચ્છતા અભિયાનમાં

‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એમ જણાવતા દિપક દરજીએ કહ્યું હતું કે, સરસ્વતી દેવીના મંદિર શાળાઓમાં સ્વચ્છતા હશે તો અભ્યાસ માટે પ્રેરક વાતાવરણનું નિર્માણ થશે. સુરત જિલ્લામાં938 પ્રાથમિક સરકારી શાળાઓ છે, જ્યાં હવેથી દૈનિક ધોરણે સફાઈ કરવામાં આવશે અને આ કામગીરીનું મોનિટરીંગ પણ કરવામાં આવશે. શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ડુંગરા પ્રા.શાળાની મુલાકાત લઈને જાતે શૌચાલયની સાફ-સફાઈ કરી હતી. જે તમામ શાળાના આચાર્ય-શિક્ષકગણ, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્વરૂપ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મંત્રી પ્રફુલભાઈ સ્વચ્છતા માટે આગળ આવે તો આપણે કેમ નહીં? એમ જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું કે, શાળાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે એ માટે દરેક આચાર્યને વોટ્સએપ ગ્રુપમાં સંદેશ પાઠવી પોતાની શાળાને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે જણાવ્યું હતું, જેને ધ્યાને લઈ શાળાઓએ પોતપોતાની શાળાના બાથરૂમ અને શૌચાલયની જાતે જ સાફ-સફાઈ કરીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો છે.

પ્રફુલભાઈ પાનશેરીયાએ શાળાઓમાં સ્વચ્છતાનો આપ્યો હતો સંદેશ

રાજ્યના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો તાજેતરમાં સ્વચ્છતા પ્રત્યેનો ઉમદા અભિગમ ઉજાગર થયો છે. શિક્ષણમંત્રીએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ અસ્વચ્છ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી અને શિક્ષણના મંદિર સમાન શાળાઓમાં સાફ-સફાઈ સંદર્ભે રાજ્યભરની સરકારી, ખાનગી શાળાઓ માટે અનોખો સંદેશ પ્રસ્તુત કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં આજથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ, સરકારે આપ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો આટલો જથ્થો

Back to top button