લાઈફસ્ટાઈલહેલ્થ

ચોમાસાની ઋતુમાં રાખો સ્વાસ્થ્યનો ખ્યાલ

Text To Speech
કાળઝાળ ગરમીમાંથી છુટકારો અપાવતી વર્ષારાણી વાતાવરણમાં ઠંડક પ્રસારવાની સાથેસાથે ઉધરસ, શરદી, દસ્ત થઇ જવા જેવી સામાન્ય બીમારીઓ પણ લાવે છે. હેલ્ધી રહીને વર્ષાઋતુનો આનંદ માણવા માટે થોડી ટિપ્સને અનુસરવું જરૂરી છે.
પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખવું 
જેમ કે, વરસાદની ઋતુમાં સૌથી પહેલા પોતાના સ્વાસ્થ્ય અને  સ્વચ્છતાનું ધ્યાન રાખવું.ચોમાસામાં ગંદકી વધી જતી હોવાથી વાઇરસ અને બેકટેરિયામાં પણ વધારો થતો હોય છે. તેથી શારીરિક નબળી વ્યક્તિ  આ વાઇરસ અને બેકટેરિયાના સપાટામાં આવી જાય છે. તેથી પર્સનલ હાઇજીન મહત્વનું છે.
ઇમ્યૂનિટી કરો મજબૂત 
 જે વ્યક્તિનો ઇમ્યૂનિટી પાવર નબળો હોય છે, તેઓ વાયરસ અને બેકટેરિયાના નિશાન જલદી બની જતી હોય છે. તેથી રક્ષણાત્મક શક્તિ વધારવા માટે વિટામિન સીનું સેવન વધુ માત્રામાં કરવું. રોજિંદા આહારમાં લસણ, તાજા શાક અને ધાન્યનો સમાવેશ કરવો. મોસમી ફળો ખાવાથી પણ ફાયદો થાય છે. તેમજ ગ્રીન ટીનું સેવન ઇમ્યૂનિટીને મજબૂત કરે છે.
સ્વચ્છ અને સૂકા પરિધાન પહેરવા અને ઘરની સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું
વરસતા વરસાદમાં પલળવાનો આનંદ અનેરો છે. પરંતુ ઘરમાં જઇને તરત જ શરીરને કોરું કરીને સુકા કપડા પહેરી લેવા. થોડા પણ ભીનાકપડા અને જૂતા પહેરી રાખવાથી ફંગસ થવાની શક્યતા રહે છે. તેથી વરસાદની સીઝનમાં  સ્વચ્છ અને સુકા કપડા પહેરવા.  ઉપરાંત વરસાદના પાણીના કારણે ઘરની આસપાસ મચ્છર અને જીવાણુઓનો ઉપદ્રવ વધી જતો હોય છે જે અનેક બીમારીઓનું કારણ બને છે. તેથી ઘર અને તેની આસપાસની જગ્યાને શક્ય હોય તેટલી સૂકી રાખવી.
ઉકાળેલું પાણી પીવું : ચોમાસાની ઋતુમાં પાણી ઉકાળેલું પીવું જોઇએ. દૂષિત પાણી પીવાથી પેટના રોગ થવાની શક્યતા વધી જતી હોય છે.
પૂરતી નિંદ્રા લેવી જોઈએ અને નિયમિત વ્યાયામ કરવો
અનિંદ્રાને કારણે શરીરમાં તાજગી ન લાગવાની સાથસાથે કમજોરી પણ લાગતી હોય છે, પરિણામે ફ્લુ થવાની શક્યતા વધી જાય છે. તેથી રાતના પૂરતી નિંદ્રા લેવી જરૂરી છે. જે વ્યક્તિને શારીરિક અને માનસિક બન્ને રીતે તાજગીસભર રહેવું જરૂરી છે. આ ઉપરાંત કસરત કરવાથી ફિટ રહેવાય છે, તે સહુ કોઇ જાણે છે.પરંતુ ચોમાસામાં વ્યાયામ કરવાની આળસ આવી જવી સામાન્ય છે. તેમજ વરસાદના કારણે જિમનેશ્યમમાં નિયમિત જઇ શકાતું નથી. તેથી ઘરમાં જેટલા વ્યાયામ કરી શકાતા હોય તેટલા અવશ્ય કરવી.
ઘર બહારના ખાદ્યપદાર્થોનું સેવન ન કરવું 
રસ્તા પર વેંચાતી વિવિધ વાનગીઓનું સેવન ચોમાસામાં શક્ય હોય તો કરવું નહીં.આ ઋતુમાં બહારનું ખાવાનું ખાવાથી પેટમાં દુ:ખાવો, જુલાબ થઇ શકે છે.
ભીના કપડા પહેરીને એરકન્ડિશન રૂમમાં જવું નહીં 
જ્યારે કે ભીના કપડા પહેરીને વાતાનુકુલિન રૂમમાં જવાથી ઠંડી લાગી શકે છે, તેમજ તાવ અને ઊધરસની તકલીફ થવાની શક્યતા રહે છે. શરીરને તરત જ  કોરું કરી નાખવું.
Back to top button