ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ

ઘૂંટણનો દુ:ખાવો દૂર કરવા માટે અપનાવો આયુર્વેદિક ઉપાય

Text To Speech

સંધિવાત નામથી સૌ કોઈ પરિચિત છે. આજકાલ નાના મોટા સર્વેમાં આશ્ર્ચર્યજનક રીતે આ રોગ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. સંધિવાત અને તેમાં પણ ઘૂંટણનો દુ:ખાવો કે જેનું પ્રમાણ આજકાલ ખૂબ વધી રહ્યું છે. પહેલાના સમયમાં તો ઘૂંટણનો દુ:ખાવો 60- 65 વર્ષ પછી કેટલાકમાં જોવા મળતો જ્યારે આજકાલ તો 25થી 35 વર્ષની વ્યક્તિઓની ઉંમરના યુવાનોમાં પણ આ સમસ્યા ખૂબ સામાન્ય રીતે જોવા મળી રહી છે જેનું કારણ અનિયમિત જીવનશૈલી, જંક ફૂડ, મેંદાનું અતિ સેવન, ખોરાકમાં સાકરનું વધુ પડતું પ્રમાણ, વધતું વજન, બેઠાડુ જીવન વગેરે તો ગણી શકાય.

શરીરમાં સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘુંટણ ઉપર આવે જેથી દુઃખાવો થાય

કેટલીકવાર આમલી કે ખટાશવાળા પદાર્થો વધારે પ્રમાણમાં લેવાથી પણ સાંધાઓમાં દુ:ખાવાની સમસ્યા સર્જાઈ શકે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેમ તેમ શરીરમાં સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘુંટણ ઉપર આવે છે, અને ઘુંટણમાં ભયંકર દુ:ખાવો ચાલુ થઈ જાય છે. પરિણામે દર્દીને ઉઠવા બેસવામાં, પલાઠી વાળવામાં તેમજ ચાલવામાં પણ ખૂબ જ પીડા થાય છે. ઘણી વખત હાજત જવાના સમયે પણ દર્દી ઉભડક બેસી શકતો નથી અને તેમાં ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થતો જોવા મળે છે. મોટી ઉંમરે સ્ત્રીઓમાં મોનોપોઝના સમય દરમિયાન શરીરમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ખૂબ ઘટી જવાથી વજન વધવું, પગમાં સોજા આવવા વગેરે જેવી સમસ્યાઓને કારણે પણ ઘૂંટણ પગના દુ:ખાવાની સમસ્યાઓ સર્જાઈ શકે છે.

તબીબો આપે છે ઓપરેશનની સલાહ

મોડર્ન સાયન્સ એમ માને છે કે, જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ બે હાડકાની વચ્ચે રહેલી ગાદી ઘસાતી જાય છે. જેથી હાડકા એકબીજા સાથે ઘસાઈને જકડાવા લાગે છે અને ઘુંટણમાં ભયંકર પીડા ઉત્પન્ન થાય છે. આવા સમયે ડોક્ટરો ઓપરેશનની કે ની-રીપ્લેસમેન્ટની સલાહ આપતા હોય છે. ઘણાં દર્દીઓ મને પૂછે છે કે શું ઓપરેશન વગર આ દુ:ખાવાને મટાડી શકાય તેવો કોઈ અકસીર ઉપાય છે ? તો આનો જવાબ છે કે, જો દર્દીમાં થોડી ધીરજ અને સહનશક્તિ હોય તો ચોક્કસ આ દુ:ખાવો આયુર્વેદ ઔષધો અને અગ્નિકર્મથી મટાડી શકાય છે.

’અગ્નિકર્મ’ની સારવાર ઉત્તમ, દરેક દર્દીએ એક વાર તો કરાવવી જ જોઈએ

અગ્નિકર્મ એ આયુર્વેદની ખૂબ ઝડપથી પરિણામ આપતી સારવાર પદ્ધતિ છે. અગ્નિકર્મમાં ચોક્કસ પોઇન્ટ ઉપર દાહ આપી ખૂબ ઝડપથી પરિણામ લાવી શકાય છે. આ કર્મમાં રોગીને માત્ર કીડીના ચટકા જેટલી વેદના થાય છે. પરંતુ પ્રથમ સીટીંગમાં જ 60થી 70% રાહત થઈ જાય છે ખૂબ દુ:ખાવાના દરેક દર્દીએ ’અગ્નિકર્મ’ની સારવાર એક વાર તો કરાવવી જ જોઈએ. કેટલીકવાર આ ઘુંટણનો દુ:ખાવો એક પગના ઘુંટણમાં થાય છે, તો કેટલીકવાર તો બંને પગના ઘુંટણમાં પણ થતો જોવા મળતો હોય છે. પરંતુ રોગ જેમ જેમ વધતો જાય તેમ તેમ આ દુ:ખાવો સતત રહ્યા કરે છે. જેના કારણે ઘુંટણથી પગ સીધો પણ કરી શકાતો નથી અને જો વધારે ચાલવામાં આવે તો દુ:ખાવો ખૂબ વધી જાય છે. ઘણીવાર દર્દીને ચાલવાના સમયે કડ કડ અવાજ પણ સંભળાય છે. આ રોગમાં સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું હરવા- ફરવાનું પણ ક્યારેક મુશ્કેલ થઈ જાય છે. આ રોગ માટે નીચે મુજબની આયુર્વેદોક્ત સારવાર સૂચવું છું.

અમુક પ્રકારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ

સંધિવાતના દરેક દર્દીઓમાં વાતશમન ચિકિત્સા એટલે કે વાયુનો નાશ કરે તેવી સારવાર કરવાનું આયુર્વેદમાં વિધાન છે એટલે કે, દર્દીએ પણ વાયડા આહારનો ત્યાગ કરવો, ચોળા, પાપડી, તુવેર, મઠ, રીંગણ, બટાટા વગેરે વાયુહર આહાર છે જેથી તેની પરેજી ખૂબ જરૂરી છે. પીપરીમૂળનું ચૂર્ણ 1 ચમચી, અને 2 ચપટી મીઠું મિક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું જોઈએ. ઘુંટણના દુ:ખાવા માટે આયુર્વેદમાં જાનુબસ્તિ સારવાર ખૂબ જ ચમત્કારિક પરિણામ આપે છે. જેમાં ઘુંટણની આસપાસ અડદના લોટની પાળી બાંધીને તેમાં સુખોષ્ણ- વાતધ્ન ઔષધ દ્રવ્યો ભરીને આ સારવાર કરવામાં આવે જેના બેથી ત્રણ સીટીંગમાં જ ખૂબ ચમત્કારિક પરિણામો જોવા મળે છે. આ સારવાર નિષ્ણાતની સલાહમાં રહીને જ કરાવવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત સ્નેહનસ્વેદનથી પણ સંધિવાત અને જાનુસંધિશૂલમાં ઘણો જ ફાયદો જોવા મળે છે.

બીજું શું કરી શકાય ?

આ ઉપરાંત ઔષધ સારવારમાં સિંહનાદ ગુગળની 2- 2 ગોળી સવાર- સાંજ ભૂકો કરીને સુલખોષ્ણ જળ સાથે લેવી મહારાસ્નાદિ કૂવાથ 2- 2 ચમચી સવાર- સાંજ પાણી સાથે લેવો. દુ:ખાવો વધારે હોય તો વાતવિઘ્વંસ રસની 1- 1 ગોળી પાણી સાથે સવાર- સાંજ લઈ શકાય છે. છતાં વૈદ્યની સલાહમાં રહીને કરેલો ઔષધોપચાર વધારે અસરકારક છે. આ ઉપરાંત આ રોગના દરેક મેદસ્વી દર્દીઓને વજન ઉતારવાની અચૂક સલાહ છે જેથી આ રોગમાં ઝડપથી ધાર્યું પરિણામ મેળવી શકાય અને સર્જરીના ખર્ચ અને પીડામાંથી બચી શકાય.

Back to top button