
જયપુર, 31 ઓગસ્ટ : રાજસ્થાનના જયપુરના એક પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. અહી એક અપહરણ કરાયેલું બાળક અપહરણકર્તાને ગળે વળગીને રડી રહ્યું હતું. તે જોઈને ઘણા લોકો સોશિયલ મીડિયા પર ભાવુક દેખાયા. હકીકતમાં, જ્યારે પોલીસે 14 મહિનાથી કથિત રીતે અપહરણ કરાયેલ બાળકને અપહરણકર્તા પાસેથી તેના માતાપિતાને સોંપ્યો, ત્યારે બાળક અપહરણકર્તાના ખોળામાં બેસીને રડવા લાગ્યો. બાળક તેનાથી દૂર જવા તૈયાર ન હતું. જે વ્યક્તિ પર બાળકના અપહરણનો આરોપ છે તેનું નામ તનુજ ચાહર છે. તનુજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતો.
તનુજ પર બાળકના અપહરણનો આરોપ છે તે બાળકની માતાનો પરિચીત હતો. તેનું બાળકની માતા સાથે અફેર હતું. તનુજે દાવો કર્યો છે કે બાળક તેમનું છે. પૂછપરછ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે તનુજ બાળકની સાથે તેની માતાને પણ પોતાની સાથે રાખવા માંગતો હતો. આરોપ છે કે જ્યારે બાળકની માતા એટલે કે તનુજની ગર્લફ્રેન્ડ સાથે રહેવા માટે રાજી ન થઈ ત્યારે તનુજે બાળકનું અપહરણ કર્યું હતું.
આરોપી તનુજ પરિણીત છે, તેને તેની પહેલી પત્નીથી 21 વર્ષનો પુત્ર છે. તેણે તેની ગર્લફ્રેન્ડના કારણે તેની પત્નીને છોડી દીધી હતી, જેણે હવે તનુજ સામે ભરણપોષણનો કેસ કર્યો છે.
અપહરણનો આરોપી તનુજ પોલીસ કસ્ટડીમાં છે
પોલીસનું કહેવું છે કે તનુજનું બાળકની માતા સાથે અફેર હતું. યુવતીના પરિવારે જયપુરમાં ચુપચાપ તેના લગ્ન કરાવી દીધા. તનુજ તેની ગર્લફ્રેન્ડને ભૂલી ન શક્યો, તે જયપુર પહોંચ્યો અને ખબર પડતાં તેણે તેની ગર્લફ્રેન્ડના પતિ સાથે મિત્રતા કરી. પછી તે ફરી ઘરે આવવા લાગ્યો. એક વર્ષ સુધી ફૂટપાથ પર રાતો વિતાવી.
આ દરમિયાન પ્રેમિકાએ તેના પતિને આખી વાત કહી. થોડા મહિના પછી તે ગર્ભવતી થઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તેણે તનુજ સાથેના સંબંધો તોડી નાખ્યા. અને ઝઘડા શરૂ થયા. તનુજ તેને દત્તક લેવાની વાત કરતો રહ્યો.
બાળકની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તનુજે 14 જૂન 2023ના રોજ જયપુરથી બાળકનું અપહરણ કર્યું હતું. આ પછી તનુજ ગાયબ થઈ ગયો અને સાધુના વેશમાં વૃંદાવનની ગલીઓમાં ફરતો રહ્યો. ફરિયાદ મળ્યા બાદ રાજસ્થાન પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તનુજ બાળકની માતાની ખબર-અંતર પૂછવા માટે ફોન કરતો હતો. અહીં-તહીં ભટકતાં તે સાધુ બની ગયો હતો. તેનો દેખાવ બદલાઈ ગયો. તે બાળક માટે નવા કપડાં અને રમકડાં પણ ખરીડતો હતો.
તનુજે બાળકનું અપહરણ કર્યું ત્યારે બાળક 11 મહિનાનું હતું. હવે તે બે વર્ષનો છે. બાળક છેલ્લા 14 મહિનાથી તનુજ સાથે રહેતો હતો. તનુજે તેની પૂરી કાળજી લીધી. રમકડાં ખરીદ્યાં, કપડાં ખરીદ્યાં. તેને છાતીએ વળગાડી ફરતો હતો.
આ દરમિયાન બાળક તનુજ સાથે એટલો અટેચ થઈ ગયો કે તે તેને એક ક્ષણ માટે પણ છોડવા તૈયાર ન હતો. બાળક તેની માતા પાસે જવા પણ તૈયાર ન હતું. જ્યારે પોલીસે તનુજના ખોળામાંથી બાળકને લીધુ ત્યારે બાળક તેનાથી અલગ થઈને ખૂબ રડ્યો હતો, જ્યારે તનુજની આંખોમાં પણ આંસુ હતા.
આ પણ વાંચો :સિદ્ધુ મૂસેવાલાના પિતાની સુરક્ષામાં રોકાયેલા બે ગાર્ડ એકબીજા સાથે બાખડ્યા, માથામાં આવી ગંભીર ઈજા